1. Home
  2. અમારી પાસે ખુદ કિંગ છે, તો પછી કિંગમેકરની જરૂરત શું છે?: રામ માધવ

અમારી પાસે ખુદ કિંગ છે, તો પછી કિંગમેકરની જરૂરત શું છે?: રામ માધવ

0
Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ગરમાગરમી વચ્ચે ભાજપના મહાસચિવ રામ માધવે એક ન્યૂઝચેનલની સાથેની ખાસ વાતચીતમાં કહ્યુ છે કે આખા દેશમાં મોદી લહેર છે અને અમે ફરીથી જીતવા જઈ રહ્યા છીએ. ન્યૂઝચેનલની સાથેની વાતચીતમાં રામ માધવે કહ્યુ છે કે મોદીજીના પક્ષમાં આખા દેશમાં લહેર છે અને તેનો ફાયદો સંપૂર્ણપણે ભાજપને મળશે. બ્લૂમબર્ગને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂને લઈને રામ માધવે કહ્યુ છે કે હેડલાઈન બનાવવા માટે વાતોને તોડવામાં આવી. આગળ તેમણે કહ્યુ છે કે અમે મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. અમને પુરો ભરોસો છે કે અમે પહેલેથી સારી સંખ્યામાં જીત પ્રાપ્ત કરીશું. ઈસ્ટ ઈન્ડિયામાં જે પ્રકારે મોદીને પ્રતિસાદ મળ્યો છે, તેના દમ પર હું કહી શકું છું કે ત્યાં પણ વધુમાં વધુ બેઠકો પર જીત મળશે. એટલું જ નહીં અમે નાગરિકતા બિલ પર પણ આશંકાઓને દૂર કરી છે. તેનો ફાયદો ચૂંટણીમાં મળશે.

ભાજપના નેતા રામ માધવે કહ્યુ છે કે પશ્ચિમ બંગાળમાં એક ધ્રુવીકરણ જરૂર છે. ત્યાં મમતા બેનર્જીનું તાનાશાહી રાજ ચાલે છે, પરંતુ ત્યાં ભાજપનું વિકાસલક્ષી વિઝન છે. ધ્રુવીકરણ ભાજપના વિકાસલક્ષી દ્રષ્ટિકોણ અને મમતા બેનર્જીની તાનાશાહી વચ્ચે છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પીએમ મોદીના ફોનનો જવાબ આપ્યો નથી અને રિવ્યૂ મીટિંગ પમ કરી નથી. આનો મતલબ છે કે મમતા બેનર્જી આના સંદર્ભે રાજકારણ ખેલી રહ્યા છે.

વિપક્ષી પાર્ટીઓ દ્વારા સરકાર બનાવવાની કવાયત પર રામ માધવે કહ્યુ છે કે આ દેશમાં કિંગ મેકરનું સપનું જોનારા તેલંગાણા અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનો છે. હું તમને કહેવા ચાહું છું કે અમારી પાસે કિંગ છે, તો પછી અમારે કિંગ મેકરની જરૂરત શા માટે પડશે? અમે સરકાર અમારા દમખમ પર બનાવીશું. અમારે કોઈપણ પક્ષના ટેકાની જરૂર પડશે નહીં.

રામ માધવે કહ્યુ છે કે કાશ્મીરમાં વોટિંગની ટકાવારી પહેલાની સરખામણીએ વધી છે. શ્રીનગર, બારામુલામાં વોટિંગની ટકાવારી વધી છે. ક્યાંયથી હિંસાના અહેવાલ આવ્યા નથી અને આતંકી ઘટના પણ બની નથી. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ છે. પીડીપી સાથે જવાના સવાલ પર રામ માધવે કહ્યુ છે કે મેન્ડેટ એવા પ્રકારે હતો, જેથી અમે કોશિશ કરી કે સાથે મળીને સરકાર ચલાવીએ. અમે ગઠબંધન મુફ્તિ મોહમ્મદ સઈદ સાથે કર્યું હતું. પરંતુ મહબૂબા મુફ્તિ સાથે ગઠબંધન સારું રહ્યું ન હતું. જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિમાં મોટાભાગે ઉતાર-ચઢાવ થતો રહ્યો છે. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ ઐતિહાસિક સમસ્યા છે. અમે દેશ અને રાજ્યના હિતની વિરુદ્ધ ક્યારેય જઈશું નહીં.

એક સવાલના જવાબમાં રામ માધવે કહ્યુ હતુ કે નવેમ્બર-ડિસેમ્બરમાં અમે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી માટે તૈયાર છીએ, પરંતુ આનો નિર્ણય ચૂંટણી પંચે કરવાનો છે. પાર્ટીનું સ્ટેન્ડ હંમેશા સ્પષ્ટ રહ્યું છે કે 35-એ પર સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય હશે, અમે તેનું સ્વાગત કરીશું. તેમણે આગળ કહ્યુ છે કે મહબૂબા મુફ્તિ કાશ્મીર ખીણના લોકોનો વિશ્વાસઘાત કરે છે. ભાજપ એક ઈમાનદાર પાર્ટી છે અને તે રાજ્યના લોકોનું હિત ચાહે છે. મહબૂબા મુફ્તિ પણ ત્યાં સુધી આતંકીઓ વિરુદ્ધ એક્શન લઈ શક્યા, જ્યારે અમે સરકારની સાથે હતા.

રામમંદિર મામલે રામ માધવે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટમાં આ મામલો છે અને કોર્ટ જલ્દીથી આના પર સુનાવણી કરશે. સરકાર જમીન પાછી લેવા માટે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. સુપ્રીમ કોર્ટ જે દિવસે રામમંદિર બનાવવાની મંજૂરી આપશે, તે દિવસથી રામમંદિર નિર્માણનું કામ શરૂ થઈ જશે. ભાજપ શરૂઆતથી રામમંદિર નિર્માણની તરફેણમાં છે.

પ્રજ્ઞાસિંહ ઠાકુર પર બોલતા રામ માધવે કહ્યુ છે કે ચૂંટણી પંચની નિયમાવલીમાં કોઈ નિયમ નથી કે આરોપના આધારે કોઈને પણ ચૂંટણી લડવાથી રોકવામાં આવે. હિંદુ આતંકવાદના નામ પર પ્રજ્ઞાને ફસાવવામાં આવ્યા છે. જે આમા નૈતિક પ્રશ્ન દર્શાવે છે, તો તેને જનતા પર છોડી દેવામાં આવે. હિંદુ ટેરર ટર્મ એક ઘડવામાં આવેલું ષડયંત્ર હતું. રામ માધવે કહ્યુ કે પીએમ મોદી 40 મિનિટના ભાષણમાં પાંચ મિનિટમાં દેશની સુરક્ષા વગેરેની વાત કરે છે, બાકીનો સમય તેઓ માત્ર વિકાસની વાત કરે છે અને પોતાનો રિપોર્ટ કાર્ડ રજૂ કરે છે.

રાજીવ ગાંધીની ઉપર પીએમ મોદીના નિવેદન પર રામ માધવે કહ્યુ છે કે જૂઠ્ઠા ટેરર જેવી ચીજ તો કોંગ્રેસ ઘરેઘરે જઈને પ્રચાર કરી શકે છે, તો શું અમે બોફોર્સ જેવા ગોટાળાની વાતનો પ્રચાર કરી શકીએ નહીં? ચૂંટણીમાં જ્યારે પણ અમે કોંગ્રેસના ગોટાળાની વાત કરી છે, તો અમે બોફોર્સનો ઉલ્લેખ કર્યા વગર આમ કેવી રીતે કરી શકીએ. 23 મે બાદ રામ માધવ ક્યાં રહેશે, તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યુ છે કે હું પાર્ટીમાં છું અને પાર્ટીમાં જ રહીશ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code