‘50 કરોડમાં મોદીને મરાવી નાખીશ’, વાયરલ વીડિયો પર ઘેરાયો તેજબહાદુર યાદવ, બીજેપીએ કહ્યું- પીએમની હત્યાનું કાવતરું
વારાણસીથી લોકસભા ચૂંટણી માટે નોમિનેશન ફાઇલ કરનારા પૂર્વ બીએસએફ જવાન તેજબહાદુર યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. બીજેપીએ વીડિયો પર પ્રતિક્રિયા આપતા તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ગણાવ્યું છે. વીડિયોમાં એમ કહેવામાં આવ્યું છે કે 50 કરોડ આપવા પર પીએમ મોદીની હત્યા કરાવી દઇશું. જોકે, મીડિયા આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
ઉલ્લેખનીય છે કે તેજબહાદુરે વારાણસીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાનું નોમિનેશન ફાઇલ કર્યું હતું. પરંતુ, તેનું નોમિનેશન ચૂંટણીપંચે રદ કર્યું હતું. વીડિયોને શહેજાદ પૂનાવાલાએ ટ્વિટ કર્યો છે. આ વીડિયોને સેંકડો લોકોએ ટ્વિટર પર શેર કર્યો છે. હજારો લોકો આ વીડિયોને જોઈ ચૂક્યા છે. વીડિયો ક્વૉલિટી સ્પષ્ટ નથી. ચહેરો ધૂંધળો છે અને અવાજ પણ બહુ સ્પષ્ટ નથી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.
ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે વીડિયોથી જાણ થાય છે કે પોતાની હારને જોતા રાજનૈતિક વિરોધીઓ હિંસક પદ્ધતિઓ પર ઉતરી આવ્યા છે. રાવે કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસે ગયા વર્ષે નિવેદન જાહેર કરીને મોદીની હત્યામાં શહેરી નક્સલીઓના ષડ્યંત્ર વિશે જણાવ્યું હતું.
જ્યારે મીડિયાના રિપોર્ટ પ્રમાણે, તેજબહાદુરે વીડિયો વિશે કહ્યું છે, “મેં તે વીડિયો જોયો છે. તે વીડિયો મારી જાણકારી વગર 2017માં શૂટ કરવામાં આવ્યો. મેં તે વ્યક્તિ સાથે સૈનિકો સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ અંગે વાતચીત કરી. પરંતુ, મેં ક્યારેય પીએમની હત્યાને લઈને વાત નથી કરી. આ વીડિયો સાથે ચેડાં કરવામાં આવ્યા છે.”
ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે આરોપ લગાવતા કહ્યું કે આ નિરાશાજનક છે કે વડાપ્રધાનની હત્યા માટે વધુ એક ષડ્યંત્ર એ વ્યક્તિએ કર્યું છે જેને વારાણસીથી સમાજવાદી પાર્ટીએ લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે.
પરંતુ તેજબહાદુરે કહ્યું છે કે જ્યારે હું નોકરીમાંથી બરતરફ થયો હતો, તે પછીથી હું દિલ્હીમાં ધરણા પ્રદર્શન કરી રહ્યો હતો. તે દરમિયાન ઘણા સાથીઓ આવ્યા હતા જેમણે કહ્યું કે તેઓ અમારી સાથે છે, પરંતુ મને ખબર નહોતી કે તે મારા બેડરૂમ સુધી પહોંચી જશે. તેજબહાદુરે કહ્યું કે આ દિલ્હી પોલીસનો સિપાહી પંકજ શર્મા છે. તેણે બ્લેકમેઇલિંગ માટે આ વીડિયો બનાવ્યો છે. તે મારી પાસે પૈસા માંગી રહ્યો હતો. લોકો મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે.
તેજબહાદુરે એમ પણ કહ્યું કે, એને જે કરવું હોય એ કરવા દો. મેં જે રસ્તો પસંદ કર્યો છે તેના પર ચાલતો રહીશ. આવી અડચણો પહેલા પણ આવી હતી, આગળ પણ આવશે. નોકરીમાં રહેવા દરમિયાન પણ મારા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું.