1. Home
  2. ભારતીય મુસ્લિમોમાં “રમઝાન”ને “રમદાન” કહેવાનું વધતું પ્રચલન અરબીકરણ તરફની પુરપાટ દોટના સંકેત!

ભારતીય મુસ્લિમોમાં “રમઝાન”ને “રમદાન” કહેવાનું વધતું પ્રચલન અરબીકરણ તરફની પુરપાટ દોટના સંકેત!

0

ભારતીય મુસ્લિમો ઈસ્લામિક વિશ્વમાં ઘણો મોટો હિસ્સો 10.9 ટકા જેટલો ભાગ ધરાવે છે. જો ભારતીય ઉપખંડની વાત કરીએ તો પાકિસ્તાન ઈસ્લામિક વિશ્વમાં 11.1 ટકા અને બાંગ્લાદેશના મુસ્લિમો 9.2 ટકા હિસ્સો ધરાવે છે. જો ભારતીય ઉપખંડના મુસ્લિમોની વાત કરીએ, તો ઈસ્લામિક વિશ્વમાં તેમનું પ્રમાણ 31.2 ટકા જેટલો મોટો હિસ્સો ધરાવે છે.

ભારતીય ઉપખંડના મોટાભાગના મુસ્લિમો આ તેમના માટે પવિત્ર માસને રમઝાન કહે છે. ફારસી ભાષામાંથી આવેલો રમઝાન શબ્દઉર્દૂથી લઈને બાંગ્લાભાષી મુસ્લિમો સુધી સમાનપણે પ્રચલિત છે. જો કે તેની સાથે જ ગત લગભગ બે દશકમાં રમઝાનના સ્થાને રમદાન- શબ્દનો ઉપયોગ કરવાનું ચલણ વધી ગયું છે. રમઝાનને અરબીમાં રમદાન તરીકે ઉચ્ચારવામાં આવે છે. આનો અર્થ ભારતીય ઉપખંડ અને ભારતના મુસ્લિમોમાં વધી રહેલા અરબી જગતના પ્રભાવના કટ્ટરતાની હદે વધવાના સંકેત છે.

રમઝાન માસનું અરબીમાં રોમન લિપિમાં લખીને હિંદીમાં ઉચ્ચારણ ‘રમદાન’ થાય છે. પરંતુ જૂના જમાનામાં અરબમાં ‘દ’- શબ્દનું ઉચ્ચારણ ખૂબ અલગ અને વિશેષ રીતે કરવામાં આવતું હતું. આ ઉચ્ચારણવાળો શબ્દ હિંદી કે અંગ્રેજીમાં નથી. તેનું ઉચ્ચારણ બિનઅરબી લોકો માટે ઘણું મુશ્કેલ છે. ભારતીય ઉપખંડના મુસ્લિમો આને ‘દ’- કહે છે, પશ્ચિમી દેશોના મુસ્લિમો ‘દ’-નો ઉચ્ચાર ‘ડ’-શબ્દથી કરે છે.

આસમાની કિતાબ ગણાતા કુરાને શરીફના સમયગાળાથી બિલકુલ અલગ રીતે હાલના અરબી લોકો –‘દ’- શબ્દનો ઉચ્ચાર કરે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ લિગ્વેજ એન્ડ લિંગ્યુસ્ટિકના ગત વર્ષ જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલા અંકમાં એક રિસર્ચ પેપરમાં પણ આવી જ વાત કરવામાં આવી છે. કોઈ ભાષાના શબ્દો અને અક્ષરોમાં સમય સાથે ફેરફાર થવો ભાષાવિજ્ઞાનમાં કોઈ મોટી આશ્ચર્યની વાત નથી. જો કે કહેવાનો અર્થ એટલો છે કે જૂના જમાનાના અરબી ઉચ્ચારણોને હાલના અરબી બોલતા લોકો પણ યોગ્ય રીતે ઉચ્ચારણ કરી શક્તા નથી.

જો કે તેમ છતાં પરિવર્તન પામતી ભાષા કોઈપણ સમુદાયની ખાસ ઓળખ અને દિશા-દશાના પ્રતીક હોય છે અને લોકો મોટા ભાગે તેને આદર્શ સ્વરૂપે જાળવવાની કોશિશો કરતા હોય છે. રમઝાનને રમદાન કહેવું કોઈ ધાર્મિક ઉદેશ્યોની પૂર્તિ કરતું નથી, પરંતુ તેમ છતાં તેને મજહબી લાગણીઓ સાથે નવા પ્રચલનમાં જોડવાની કોશિશો પણ થાય છે. જો કે આ બાબતનું સાંસ્કૃતિક દ્રષ્ટિએ જરૂરથી મહત્વ છે. ખાસ કરીને ઉર્દૂ ભાષી મુસ્લિમો સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખુદને કેવી રીતે જોઈ રહ્યા છે, તેના કેટલાક સંકેતને જરૂરથી સમજવા જોઈએ.

ભારતીય ઉપખંડમાં કેરળ સિવાયના તમામ સ્થાનો પર ભારતીય ઈસ્લામ મૂળભૂત રીતે અરબસ્તાનના સ્થાને મધ્ય એશિયા અને ઈરાનથી આવ્યો છે. ભારતીય ઈસ્લામના મૂળિયા ફારસી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. ભારતમાં લાંબા સમયગાળા સુધી ફારસી મુખ્ય ભાષા પણ રહી છે. ભારતની મરાઠી, ગુજરાતી, બંગાળી સહીતની ઘણી ભાષાઓમાં ફારસીના ઘણાં શબ્દોને વાપરવામાં આવે છે. ઉર્દૂ ભાષામાં મૂળભૂત રીતે ફારસી શબ્દોની ભરમાર છે. સૌથી મોટી વાત ભારતના સૌથી મોટા ધર્મને તેનું નામ હિંદુ અને સૌથી વધુ બોલાતી ભાષા હિંદીને તેમના નામ ફારસ એટલે કે ઈરાનથી ફારસીમાંથી મળ્યા છે. ‘સપ્તસિંધુ’નો ઉચ્ચાર ઈરાનીઓ સ-ના સ્થાને હ-નો ઉચ્ચાર કરીને ‘હપ્તહિંદુ’ કરતા અને આના પરથી આવા નામ મળ્યાની ભાષાવિજ્ઞાનની કેટલીક થિયરી છે.

આ દ્રષ્ટિએ ભારતીય ઈસ્લામની ભાષામાં ફારસીની સૌથી વધુ અસર છે. ભારતીય મુસ્લિમોમાં ફારસીમાંથી નમાજ અને રોજા જેવા શબ્દો આવ્યા છે. જ્યારે અરબીમાં ‘નમાજ’ને ‘સાલાહ’ અને ‘રોજા’ને અરબીમાં ‘સાઉમ’ જેવા શબ્દોથી સંબોધિત કરવામાં આવે છે. સૌથી મહત્વપૂર્ણ વાત છે કે ઈશ્વર માટે પણ ફારસીમાં ‘ખુદા’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે ભારતીય મુસ્લિમોમાં ઘણાં સમયથી ‘ખુદાહાફિઝ’ના સ્થાને ‘અલ્લાહહાફિઝ’ બોલવાનું પ્રચલન થયું છે. આમા પણ ઈશ્વરને અરબીમાં અલ્લાહ અને ફારસીમાં ખુદા કહેવાની વાતને શુદ્ધ ઈસ્લામ તરફ પાછા ફરવાની વાતો કરનારા મૌલાના-મૌલવીઓની તકરીરોની ખાસી અસર છે.

ભારતીય ઈસ્લામ પર ખુદ અરબસ્તાનમાં ઈસ્લામમાં આવેલા પરિવર્તનોની અસર જોવા મળી રહી છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ સઉદ પરિવારે અરબની ખાડીના મોટા ભાગ પર કબજો કર્યો હતો. મક્કા અને મદીના પણ તે પરિવારના શાસિત પ્રદેશોમાં આવી ગયા હતા. આ પરિવાર ઈસ્લામની કટ્ટર વિચારધારા- વહાબીના સમર્થક છે. જેને કારણે સુન્ની પંથી સાઉદી અરેબિયામાં મુસ્લિમો વહાબી વિચારધારાને સૌથી વધુ માની રહ્યા છે. સાઉદ પરિવાર હેઠળના રાજ્યમાં ઈરાક પણ આવતું હતું. જો કે ઓઈલ ભંડાર મળ્યા પહેલા અને દુનિયામાં ઔદ્યોગિકરણના પ્રભાવ વધતા પહેલા સાઉદી અરેબિયા કોઈ ખાસ શક્તિશાળી અને ધનવાન સલ્તનત ગણાતું ન હતું.

જો કે ભારતીય ઉપખંડના મુસ્લિમો ફારસી પ્રભાવમાંથી નીકળવાનું એક કારણ અંગ્રેજો હતા. કુલિન મુસ્લિમ પરિવારોના અંગ્રેજોના હાથે ખુવાર થયા બાદ સાઉદી અરેબિયાની વધી સંપન્નતા અને તેના પ્રભાવથી ભારતીય મુસ્લિમો પોતાની સાંસ્કૃતિક અને ધાર્મિક ધરી સાઉદી અરેબિયાને માનવા લાગ્યા હતા. ભારતમાં વહાબી અને ફરાઝી આંદોલનોની ખાસી અસર રહી છે. તેના સિવાય આઝાદી પહેલા ભારતીય ઉપખંડના મુસ્લિમો ખિલાફત આંદોલન પણ કરી ચુક્યા છે. જેને કારણે પાન-ઈસ્લામિક મૂવમેન્ટની ભારતીય ઉપખંડનો નક્શો બદલનારી ઘણી વિપરીત અસરો 1947માં જોવા મળી છે. જો કે ભારતમાં આઝાદી પહેલાથી સાઉદી અરેબિયા પ્રેરીત સાંસ્કૃતિક અને મજહબી ધરીને પોતાની માનવાની શરૂ કરીને પોતાનું જાણ-અજાણે અરબીકરણ શરૂ કર્યું હતું.

ભારતીય ઈસ્લામનું અરબીકરણ પહેલા તેમા રહેલી ભારતીયકરણની અસરોને દૂર કરવા પર મર્યાદીત હતું. હવે ભારતીય ઈસ્લામમાં શુદ્ધ ઈસ્લામના કથિત પ્રણેતાઓ ફારસીકરણની અસરોને દૂર કરવાની કોશિશો કરી રહ્યા છે. ભારતીય ઈસ્લામનું અરબીકરણ ભારતીય ઉપખંડની સમસ્યાઓનું સૌથી મોટું કારણ છે.

પાકિસ્તાનમાં સુન્ની કટ્ટરવાદના સાઉદી પેટ્રો ડોલરથી મજબૂત થઈને અમેરિકન એજન્સીઓની મદદથી અફઘાન યુદ્ધ વખતે આતંકવાદ બનવા સુધીના સમયગાળાથી પાકિસ્તાની મુસ્લિમોમાં સૌથી વધુ લોકપ્રિય વિદ્વાન-પ્રચારક ઈસ્લામના અરબી પ્રતીકોને ઘણા ગર્વથી સ્વીકારે છે અને પ્રોત્સાહન આપે છે. ભારતમાં વિવાદોમાં રહેલા અને ઢાકા એટેક તથા કોલંબો એટેક બાદ આતંકવાદીઓના પ્રેરક તરીકે સામે આવેલા ડૉ. ઝાકિર નાઈક ક્યારેય રમઝાન કહેતા સાંભળવા મળ્યા નથી. ઝાકિર નાઈકે હંમેશા રમદાન જ બોલે છે.

ભારતીય ઉપખંડનો મુસ્લિમોનો કુલિન વર્ગ મધ્યયુગમાં ફારસીને પોતાની સાંસ્કૃતિક ઓળખ માનતો હતો અને હવે હાલના સમયમાં તેઓ અરબી શબ્દોને પોતાની સાંસ્કૃતિક ઓળખ માની રહ્યા છે. આના માધ્યમથી તેઓ સામાન્ય ભારતીય ઉપખંડની જમીન સાથે જોડાયેલા મુસ્લિમ નહીં, પણ સાઉદી અરેબિયા દ્વારા પ્રચારીત મુસ્લિમ બની રહ્યા છે. હવે સાંસ્કૃતિ અભિવ્યક્તિમાં અરબસ્તાનની અસર નીચે ખુદા જેવા ઉર્દૂ શેરો-શાયરીના મહત્વના શબ્દને અરબી નામથી બદલવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં ‘ખુદાફાફિઝ’ સદીઓથી બોલવામાં આવે છે, પરંતુ હવે તેના સ્થાને ‘અલ્લાહ હાફિઝ’નો સમાનપણે ઉપયોગ થઈ રહ્યો છે.

મજહબી ઉપયોગની દ્રષ્ટિએ શબ્દોમાં ફેરફાર કોઈ મોટી વાત નથી અને તેનાથી વિશેષ ફર્ક પડતો નથી. પરંતુ જ્યારે સ્થાનિકતાના મેળમિલાપથી જન્મ અને કોઈ સંસ્કૃતિના અભિન્ન અંગ રહેલા શબ્દો જેવા ખુદાહાફિઝના બદલવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે, તો એ વાતના સંકેત છે કે તમે મજહબી કટ્ટરતા તરફ દોરવાઈ રહ્યા છો અને તમારી સ્થાનિક સંસ્કૃતિને બચાવી શકતા નથી. આવા પ્રયોગોને કારણે પાકિસ્તાનની દશા દુનિયા આખી જોઈ ચુક્યું છે. જેહાદના નામે દુનિયાભરમાં ફસાદનું મૂળ બનેલું પાકિસ્તાન આતંકીસ્તાનમાં ફેરવાઈ ચુક્યું છે. જ્યારે સલાફી વિચારધારા પ્રેરીત ગ્લોબલ ટેરરિસ્ટ ગ્રુપ્સ ભારતીય ઉપખંડ અને દક્ષિણ એશિયામાં પોતાનો ડોળો માંડીને બેઠા છે, ત્યારે રમઝાનને રમદાન કહેવાનું વધતું પ્રચલન અને ‘ખુદાહાફિઝ’ જેટલું જ ‘અલ્લાહહાફિઝ’નું વધતું પ્રચલન ભારતીય ઈસ્લામને અલગ દિશામાં લઈ જવાની કોશિશનું કારણ બની શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.