1. Home
  2. બાલાકોટ પર મોદી બોલ્યા- મેં વાયુસેનાને વાદળોથી મદદ મળશેનું સૂચન કરેલું, ઓવૈસી બોલ્યા- તમે ગજબના એક્સપર્ટ

બાલાકોટ પર મોદી બોલ્યા- મેં વાયુસેનાને વાદળોથી મદદ મળશેનું સૂચન કરેલું, ઓવૈસી બોલ્યા- તમે ગજબના એક્સપર્ટ

0
Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો. તેમણે કહ્યું કે જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઈકની યોજના બની રહી હતી ત્યારે મેં એક્સપર્ટ્સને સૂચન આપ્યું હતું. મેં કહ્યું હતું કે આકાશમાં છવાયેલા વાદળ અને ભારે વરસાદ આપણને પાકિસ્તાની રડારમાંથી બચવામાં મદદ કરી શકે છે. ત્યારબાદથી સોશિયલ મીડિયા પર રાજનેતાઓની સાથે-સાથે યુઝર્સે પણ મોદીના નિવેદનની ટીકા કરવી શરૂ કરી દીધી છે.

મોદીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું, ‘હવામાન એકાએક ખરાબ થઈ ગયું હતું. આકાશમાં વાદળા છવાયેલા હતા. ભારે વરસાદ પડી રહ્યો હતો. એક્સપર્ટ્સના મનમાં તે સમયે હવામાનને લઇને શંકા હતી. તેઓ વિચારી રહ્યા હતા કે શું વાદળાઓ છે તો આ કામ થઈ શકશે? કેટલાક એક્સપર્ટ્સે કહ્યું કે જો આપણે તારીખ બદલી નાખીએ તો? પરંતુ મારા મગજમાં બે વાતો હતી. એક આ વાતનું ગુપ્ત રહેવું, બીજું મેં એક્સપર્ટ્સને કહ્યું કે હું કોઈ એવો વ્યક્તિ નથી જે વિજ્ઞાનનો જાણકાર છે. મેં કહ્યું કે ત્યાં વાદળા છવાયેલા છે. ભારે વરસાદ પણ છે. પરંતુ આ ફાયદાકારક પણ છે. મારો એક સામાન્ય વિચાર હતો કે વાદળાઓ આપણને ફાયદો પણ કરાવી શકે છે. આપણને રડારથી બચાવી શકે છે. દરેક જણ ગફલતમાં પડી ગયું. આખરે મેં કહ્યું કે ચાલો કરીએ.’

મોદીના આ નિવેદન પર કોંગ્રેસે કહ્યું, જુમલાઓ જ કરતા રહ્યા પાંચ વર્ષની સરકારમાં. વિચાર્યું વાદળછાયું વાતાવરણ છે, તો રડારમાં નહીં આવીએ.

અસદુદ્દીન ઓવૈસીએ વ્યંગ કરતા કહ્યું, સર, તમે તો ગજબના એક્સપર્ટ છો. સર એક રિકવેસ્ટ છે કે નામ આગળથી ચોકીદાર હટાવીને એર ચીફ માર્શલ કરી દો.

સીતારામ યેચુરીએ કહ્યું, મોદીના શબ્દો ખરેખર શરમજનક છે. કારણકે તેમનું નિવેદન એરફોર્સનું અપમાન છે. તેમણે જે કહ્યું એ દેશદ્રોહ છે, કોઈ દેશભક્ત આવું ન બોલી શકે.

મોદીના નિવેદન પર તેમની મજાક ઉડાવનારાઓમાં આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ પણ જોડાયા છે. તેમણે ટ્વિટ કરી કે, હટ બુડબક, તેરા ધ્યાન કિધર હૈ, રડાર ઇધર હૈ.

ઉલ્લેખનીય છે કે પુલવામાં હુમલા પછી 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી. સેનાના વિમાનોએ બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એરસ્ટ્રાઈકમાં આશરે 350 આતંકીઓ માર્યા ગયા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code