ભુવનેશ્વર : ઓડિશા કોરાપુટ જિલ્લામાં બુધવારે સુરક્ષાદળોની સાથેની અથડામણમાં ત્રણ મહિલાઓ સહીત ઓછામાં ઓછા પાંચ માઓવાદીઓ ઠાર થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુ છે કે પાદુઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલોમાં આ અથડામણ થઈ છે. તેમણે કહ્યુ છે કે જ્યારે એસઓજી અને ડિસ્ટ્રિક્ટ વોલન્ટરી ફોર્સ વિસ્તારમાં તલાશ અભિયાનમાં જોતરાયેલી હતી. ત્યારે માઓવાદીઓ સાથે આ અથડામણ થઈ છે.

અધિકારીએ કહ્યુ છે કે વિસ્તારમાં તલાશ અભિયાન દરમિયાન માઓવાદીઓએ એસઓજી અને ડીવીએફના કર્મચારીઓ પર ગોળીઓ ચલાવી દીધી હતી. તેનો સુરક્ષાકર્મીઓ દ્વારા જડબાતોડ જવાબ આપ્યો હતો. એડીજીપી (ઓપરેશન) આર. પી. કોચેએ કહ્યુ છે કે અથડામણમાં માર્યા ગયેલા પાંચ માઓવાદીમાં ત્રણ મહિલાઓ પણ છે. અધિકારીએ કહ્યુ છે કે સુરક્ષાદળોએ 15 માઓવાદીઓને જંગલમાં છૂપાયેલા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
કોરાપુટના એસપી કે. વી. સિંહે કહ્યુ છેકે સુરક્ષાકર્મીઓએ ઘટનાસ્થળેથી પાંચ બંદૂકો પણ જપ્ત કરી છે.
આ ઘટનાથી અલગ બુધવારે જ છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષાદળોને કામિયાબી મળી હતી. સવારે પાંચ વાગ્યે સુરક્ષાદળો અને નક્સલીઓની વચ્ચે થયેલી અથડામણમાં બે નક્સલીઓને ઠાર કર્યા છે. અડામણ દંતેવાડાના ગોંદેરાસના જંગલમાં થઈ હતી. આ વિસ્તાર જિલ્લાના આરનપુર પોલીસ સ્ટેશનમાં પડે છે. માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી ઈન્સાસ રાઈફલ અને અન્ય હથિયાર જપ્ત કર્યા છે. અથડામણમાં માર્યા ગયેલા નક્સલીઓમાં એક મહિલા નક્સલી પણ સામેલ છે.