1. Home
  2. પશ્ચિમ બંગાળ: અમિત શાહે મંચ પરથી લગાવ્યા જય શ્રીરામના નારા, કહ્યું- દીદી જે ઉખાડવું હોય તે ઉખાડી લો

પશ્ચિમ બંગાળ: અમિત શાહે મંચ પરથી લગાવ્યા જય શ્રીરામના નારા, કહ્યું- દીદી જે ઉખાડવું હોય તે ઉખાડી લો

0
Social Share

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે પશ્ચિમ બંગાળમાં જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદી પછી હવે અમિત શાહે પણ બંગાળમાં ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા છે. પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં અમિત શાહે આ મુદ્દે મુખ્યમંત્રી મમતા બેનર્જીને આડે હાથ લીધા. શાહે મંચ પરથી જય શ્રીરામના નારા લગાવ્યા અને બોલ્યા, ‘જે થાય તે ઉખાડી લો.’ ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ પીએમ મોદીએ પણ જય શ્રીરામનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમએ કહ્યું હતું કે ફેની વાવાઝોડા પછી કેન્દ્ર સરકાર પૂરી તાકાતથી બંગાળની જનતા સાથે ઊભી છે. તેમણે પોતે મમતા દીદીને ફોન કર્યો હતો પરંતુ દીદીએ કોલનો જવાબ ન આપ્યો. દીદી તો જય શ્રીરામ કહેનારાઓને જેલ મોકલી રહી છે.

અમિત શાહે મંચ પરથી પૂછ્યું, “ઘટલવાળાઓ તમે મારી સાથે સંઘર્ષ કરવા માટે તૈયાર છો ને? મારી સાથે બોલો- જય શ્રીરામ, જય જય શ્રીરામ” બીજેપી ચીફે મંચ પરથી અનેકવાર પબ્લિક પાસે જય શ્રીરામના નારા લગાવડાવ્યા અને કહ્યું મમતા દીદી હવે તમારાથી જે થાય તે ઉખાડી લો, જે કલમ લગાવવી હોય તે લગાવી લો, પરંતુ અમને જય શ્રીરામનો નારો લગાવવાથી કોઈ અટકાવી નહીં શકે.

અમિત શાહે કહ્યું કે તેઓ મમતા દીદીને પૂછવા માંગે છે કે શ્રીરામનું નામ ભારતમાં નહીં લઈએ તો શું પાકિસ્તાનમાં લઈશું? અમારા આરાધ્ય દેવ શ્રીરામ છે અને અમે તેમનો નારો લગાવીશું.

શાહે કહ્યું કે નાગરિકતા બિલ પર તમામ વિપક્ષ એક તરફ થઈ ગયો. ઘૂસણખોરો દેશને ઉધઈની માફક કોરી રહ્યા છે. એકવાર 23 લોકસભા સીટ્સ પશ્ચિમ બંગાળ પાસેથી મોદીની ઝોળીમાં નાખી દો, મમતા દીદીને આપોઆપ મુક્તિ મળી જશે. બીજેપી સરકાર આવવા પર સૌપ્રથમ સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલ લાવવામાં આવશે. અમે ઘૂસણખોરોને શોધી-શોધીને પશ્ચિમ બંગાળની બહાર કરીશું.

અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં આ ચૂંટણી લોકતંત્રની બહાલી અને મમતા દીદીની સત્તામાંથી મુક્ત કરવા માટે લડવામાં આવી રહી છે. બીજેપીની રેલીઓને રોકવાનો પ્રયત્ન ભલે કરી લો, જૂઠ્ઠાણું ફેલાવો પરંતુ અમે જ જીતીશું.

શાહે કહ્યું, ‘મમતા બેનર્જીએ કહ્યું કે મોદીજીને તે વડાપ્રધાન નથી માનતી. તમે બંધારણમાં વિશ્વાસ રાખો છો કે નહીં? બંધારણ કહે છે કે દેશ જેને પસંદ કરે છે તે વડાપ્રધાન હોય છે. તમારા માનવા ન માનવાથી કંઇ ન થાય અને પાંચ વર્ષની તૈયારી કરી લો. મોદીજી એકવાર ફરી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.’

બંગાળના જ બેલદામાં બીજી એક રેલીમાં બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે મોદીએ કહ્યું કે રાજીવ ગાંધીના સમયમાં બોફોર્સ કાંડ થયો. રાહુલ બાબા કહે છે કે તેમના પિતાજીનું અપમાન કરવામાં આવ્યું. સત્ય યાદ અપાવવું શું અપમાન છે? રાહુલ ગાંધી દેશની જનતાને જણાવે કે શું તેમના પિતાજીના સમયમાં બોફોર્સ કૌભાંડ નથી થયું? ભોપાલ ગેસ કાંડ નહોતો થયો? કાશ્મીરી પંડિતોની હત્યા નહોતી થઈ?

બીજેપી અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસ અને ગઠબંધને મોદીને 51થી વધુ વાર ગાળો આપી. મોદીજીની માતાનું અપમાન કર્યું. સંજય નિરૂપમે મોદીજીને ગમાર કહ્યા. કોંગ્રેસના નેતા મોદીને અપશબ્દો કહે છે. જૂના અને સ્વર્ગવાસી પીએમનું અપમાન થાય છે. કોંગ્રેસીઓ રડવા માંડે છે. હાલના વડાપ્રધાનનું અપમાન થયા ત્યારે તમે કંઇ નથી કહેતા.  

અમિત શાહે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પ્રિયંકાએ મોદીની તુલના દુર્યોધન સાથે કરી. દુર્યોધન કોણ છે અને અર્જુન કોણ છે તે 23 મેના રોજ સાબિત થઈ જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code