જમ્મુ-કાશ્મીરના પુલવામામાં વોટિંગ દરમિયાન બીજો બ્લાસ્ટ, પોલિંગ બૂથ નજીક ફેંકાયો ગ્રેનેડ
લોકસભાની ચૂંટણી પહેલા સૌથી મોટો મુદ્દો બનીને ઉભરેલા પુલવામા એટેક પર રાજકારણ હજીપણ ચાલુ છે. ખાસ વાત એ છે કે આજે ચાલી રહેલા પાંચમા તબક્કાના મતદાનમાં પુલવામામાં પણ વોટિંગ થઈ રહ્યું છે. અહીં રોહમૂ પોલિંગ બૂથ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટ પછી બપોરે દોઢ વાગ્યાની આસપાસ બીજો વિસ્ફોટ થયો હતો. જો કે કોઈને ઈજા પહોંચવાના કોઈ અહેવાલ નથી.
આજે દેશની 51 બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે, જેમાં જમ્મુ-કાશ્મીરની લડાખ અને અનંતનાગ બેઠક પણ સામેલ છે. અનંતનાગ લોકસભા બેઠક હેઠળ આવનારા પુલવામામાં સોમવારે સવારથી જ મતદાતાઓની ભીડ પોલિંગ બૂથ પર જોવા મળી રહી હતી. પુલવામા એટેકના બે માસથી વધુ સમય વીતી ચુક્યો છે. પરંતુ આતંકવાદનને જડબાતોડ જવાબ આપતા અહીંના મતદાતા લોકશાહીનો જશ્ન માનવવા માટે મતદાન મથકોએ પહોંચ્યા છે.
પુલવામામાં આ વર્ષે 14 ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ દેશમાં આક્રોશ હતો અને પુલવામા હુમલો એકદમ રાજકારણના કેન્દ્રમાં આવી ગયો હતો.
પુલવામા એટેક બાદ ભારતની વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી અને તેના પછી રાષ્ટ્રવાદનો મુદ્દો મહત્વનો બની ગયો હતો. સત્તાધારી પક્ષ ભાજપે રાષ્ટ્રવાદના મુદ્દે દેશભરમાં વોટ માંગ્યા છે. તો વિપક્ષ પુલવામા હુમલા અને તેના પછીની એરસ્ટ્રાઈકનો ચૂંટણીલક્ષી ઉપયોગ કરવાનો ભાજપ પર આરોપ લગાવીને વળતો પ્રચાર કરી રહ્યું છે.
એક તરફ પુલવામા બાદ જ્યાં ભાજપ રાષ્ટ્રવાદના મુદ્દા પર આગળ વધી રહ્યું હતું, તો વિપક્ષમાં ઘણાં અવાજ પણ સાંભળવા મળ્યા હતા. જ્યાં નેતાઓએ મોદી સરકાર પર પુલવામાનો આરોપ ઢોળવાના સીધા અને આડકતરા પ્રયત્નો કર્યા હતા. તો જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ તો ઘણીવાર કહ્યુ કે પુલવામા એટેકની તપાસ થવી જોઈએ.
ત્યારથી પુલવામા ભારતીય રાજનીતિના કેન્દ્રમાં હતું અને આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે, તો વોટર ઉત્સાહભેર મોટા પ્રમાણમાં વોટિંગ કરવા માટે પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા છે. મહત્વપૂર્ણ છે કે પુલવામા અનંતનાગ લોકસભા બેઠક હેઠળ આવે છે, જ્યાં 2014માં જ પેટાચૂંટણી થવાની હતી. પરંતુ સુરક્ષા કારણો હેઠળ આમ થયું નહીં. આ વખતે પણ અહીં સુરક્ષા કારણો હેઠળ ત્રણ તબક્કામાં વોટિંગ થયું છે.
અનંતનાગ લોકસભા બેઠક દેશની સૌથી મોટી બેઠકો પૈકી એક છે. આ લોકસભા મતવિસ્તારમાં ત્રાલ, શોપિયાં, દેવસર, પંપોર, નૂરાબાદ, ડોરુ, પહલગામ, વાચી, પુલવામા, કુલગામ,કોકરનાગ, બિજબેહારા, રાજપોરા, હોમશાલીબુગ, શાનગુસ, અનંતાગ જેવા નાના-મોટા ગામ અને કસબા આવે છે. અહીં વોટરોની સંખ્યા 13 લાખથી પણ વધારે છે.