ઈકોનોમીના મોરચા પર વધુ એક ચિંતા: સર્વિસ સેક્ટરમાં ગ્રોથ સાત માસના નીચલા સ્તર પર
મોદી સરકારના આખરી તબક્કામાં અર્થવ્યવસ્થા માટે વધુ એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. એપ્રિલમાં દેસના સર્વિસ સેક્ટરમાં ગ્રોથ સાત માસના નીચલા સ્તર પર પહોંચી ગયો છે. નવો કારોબાર ધીમો રહેવા અને ચૂંટણીના કારણે આવનારી અડચણોના કારણે સર્વિસ સેક્ટરના ગ્રોથમાં ઘટાડો નોઁધાયો છે.

એક આંતરરાષ્ટ્રી સર્વેમાં આ જાણકારી સામે આવી છે. સર્વેમાં ચૂંટણી બાદ આર્થિક પરિસ્થિતિ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તેના કારણે સેવા ક્ષેત્રનું આગામી પરિદ્રશ્ય સકારાત્મક દેખાઈ રહ્યું છે અને આ રોજગારને પણ પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.
નિક્કેઈ ઈન્ડિયા સર્વિસિસ બિઝનસ એક્ટિવિટી ઈન્ડેક્સ – પીએમઆઈ એપ્રિલમાં 51 અંક પર રહ્યો હતો. જે માર્ચમાં 52 અંક પર હતો. આ ગત વર્ષ સપ્ટેમ્બર બાદનું સૌથી નીચલું સ્તર છે. જો કે પીએમઆઈનું 50 અંકથી ઉપર રહેવું ગતિવિધિઓમાં વિસ્તરણ અને 50 અંકથી નીચે રહેવું ગતિવિધિઓમાં ઘટાડો દર્શાવે છે. આ પ્રકારે એપ્રિલમાં સેવા ગતિવિધિઓનું વિસ્તરણ તો થયું છે, પરંતુ તે ગત સાત માસની સરખામણીમાં સૌથી નીચલા સ્તરે છે. જ્યારે આ સતત 11મો મહીનો છે કે જ્યારે સેવા ક્ષેત્ર 50 અંકથી ઉપર રહ્યું છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, આઈએચએસ માર્કેટના ચીફ ઈકોનોમિસ્ટ અને આ રિપોર્ટના લેખિકા પોલીયાના ડી. લીમાએ કહ્યુ છે કે ભારતીય ખાનગી ક્ષેત્રની ઈકોનોમી ધીમા વૃદ્ધિ દરના તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેનું એક મોટું કારણ ચૂંટણીઓના કારણે આવેલી અડચણ છે. સરકાર બન્યા બાદ કંપીઓની સ્થિતિમાં સામાન્ય રીતે સુધારણા જોવા મળશે. દેશમાં લોકસભાની ચૂંટણી 11 એપ્રિલે શરૂ થઈ છે અને સાત તબક્કાના વોટિંગ બાદ 23 મેએ તેનું પરિણામ આવશે.
જો કે સર્વિસ સેક્ટરમાં સુસ્તીનું એકમાત્ર કારણ ચૂંટણીને માની શકાય નહીં. લીમાનું કહેવું છે કે પ્રતિસ્પર્ધી માહોલ અને ગ્રાહકો દ્વારા હવે વધુમાં વધુ ઓનલાઈન બુકિંગ પર ભાર મૂકવાને કારણે સર્વિસ સેક્ટરમાં ગ્રોથ ઓછો દેખાઈ રહ્યો છે.
એક સકારાત્મક વાત એ છે કે એપ્રિલમાં સર્વિસ પ્રોવાઈડર્સે વધારે લોકોને રોજગાર આપ્યા છે. નવા કામકાજમાં સુધારો અને આગળ ગ્રોથની સારી સંભાવનાને જોતા સર્વિસ સેક્ટરમાં રોજગાર વધ્યો છે. બીજી તરફ નિક્કેઈ ઈન્ડિયા કમ્પોઝિટ પીએમઆઈ આઉટપુટ ઈન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને આ માર્ચના 52.7થી ઘટીને એપ્રિલમાં 51.7 સુધીનો જ રહ્યો છે. આ સૂચકાંક મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ઈન્ડસ્ટ્રી બંનેનું એકસાથે આકલન રજૂ કરે છે. સર્વે પ્રમાણે કાચો માલ અને ઉત્પાદન બંનેની પડતર ઓછી રહી છે.
લીમાનું કહેવું છે કે નવા સર્વેની બીજી એક મુખ્ય વાત એ છે કે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં મોંઘવારીનું દબાણ નથી. માટે અર્થવ્યવસ્થામાં આશાથી ઓછા વધારા વચ્ચે કેન્દ્રીય બેંક માટે વ્યાજદરોમાં ઘટાડો કરવાને અવકાશ છે. આરબીઆઈ હવે 3થી 6 જૂન સુધી આગામી મૌદ્રિક નીતિની સમીક્ષા કરશે.