અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાંચમી ફેબ્રુઆરીએ પોતાની સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ આપશે. અમેરિકાની પ્રતિનિધિસભાના સ્પીકર નેન્સી પેલોસી અને વ્હાઈટ હાઉસ વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં હાલ ઈમરજન્સી જેવો માહોલ છે. તેના કારણે ઘણી હદે સરકારી કામકાજ ઠપ્પ છે.
સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા વાર્ષિક સંબોધન હોય છે અને તેને નવા વર્ષની શરૂઆતમાં જ આપવામાં આવે છે. આ પહેલા ટ્રમ્પ દ્વારા સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ 29 જાન્યુઆરીએ જ અપાવવાની હતી. પરંતુ સરકારી કામકાજ આંશિકપણે ઠપ્પ થવાને કારણે આવું થવું શક્ય નથી.
મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં મેક્સિકોની સરહદે દીવાલ બનાવવાને લઈને વ્હાઈટ હાઉસ અને વિપક્ષી ડેમોક્રેટિક સાંસદો વચ્ચે મતભેદના કારણે સરકારી કામકાજ એક માસથી પણ વધુ સમય સુધી આંશિકપણે બંધ છે.
અમેરિકાની પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીએ 28 જાન્યુઆરીએ ટ્રમ્પને લખેલા નવા પત્રમાં કહ્યુ છે કે તેમણે 23 જાન્યુઆરીએ લખેલા પત્રમાં કહ્યુ હતુ કે આપણે પરસ્પર સંમતિથી સ્ટેટ ઓફ ધ યૂનિયન સંબોધન માટે તારીખ નક્કી કરવી જોઈએ.
તેમણે લખ્યું છે કે આપણી વચ્ચે આજે થયેલી વાતચીત બાદ સંબોધનની તારીખ પાંચમી ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી ચે. માટે તેઓ તેમને કોંગ્રેસના સંયુક્ત સત્ર પહેલા પાંચમી ફેબ્રુઆરીએ સ્ટેટ ઓફ યૂનિયનના સંબોધન માટે આમંત્રિત કરે છે.
મહત્વપૂર્ણ છે કે 2020માં અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. તેવામાં ડોનાલ્ડ ટ્રમ્પની પાંચમી ફેબ્રુઆરીની સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ તેમના કાર્યકાળના આખરી વર્ષનો રોડમેપ જેવી હશે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે અમેરિકામાં ચાલી રહેલી આંશિક કટોકટીને સમાપ્ત કરવાને લઈને કંઈક એલાન પણ કરી શકે છે.