પાકિસ્તાન સરકારે જૈશ અને જમાત-ઉદ-દાવા સાથે સંબંધ હોવાની શંકાના આધારે 11 સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ
પાકિસ્તાન સરકારે લાહોરના 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમના પર આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને જમાત-ઉદ-દાવા સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે. જૈશના પ્રમુખ મસૂદ અઝહરને તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો છે. જમાત-ઉદ-દાવા પ્રમુખ હાફિઝ સઈદને 2008માં થયેલા મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.
ફેબ્રુઆરીમાં થયેલા પુલવામા હુમલાની જવાબદારી જૈશે લીધી હતી. તેમાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારત-પાક વચ્ચે તણાવ ઊભો થઈ ગયો હતો. પાકિસ્તાન સરકારે ફેબ્રુઆરીમાં જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન પર પણ બેન લગાવ્યો હતો.
પાક વડાપ્રધાન ઇમરાન ખાન અને મંત્રી એજાજ શાહ વચ્ચે શુક્રવારે મીટિંગ થઈ. આ દરમિયાન 11 સંગઠનો પર બેન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. ઇમરાને પહેલા જ કહ્યું હતું કે તેઓ કોઈપણ હાલતમાં પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકી ગતિવિધિઓ માટે નહીં કરવા દે.
પાકિસ્તાન નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે, બેન કરવામાં આવેલા સંગઠનોમાં અલ-અન્ફાલ ટ્રસ્ટ, ઇદારા, ખિદમત-એ-ખલાક, અલ-દાવત ઉલ ઇરશાદ, મોસ્ક એન્ડ વેલફેર ટ્રસ્ટ, અલ-મદીના ફાઉન્ડેશન, મજ-બિન-જબેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને અલ-હમદ ટ્રસ્ટનું નામ સામેલ છે. તમામ સંગઠન લાહોરના છે.
આ સાત સંગઠનો ઉપરાંત લાહોરના અલ-ફઝલ ફાઉન્ડેશન/ટ્રસ્ટ અને અલ-ઇઝર ફાઉન્ડેશન, બહાવલપુરના અલ-રહમત ટ્રસ્ટ સંગઠન અને કરાચીના અલ-ફુરકાન ટ્રસ્ટને પણ બેન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ સરકારે જણાવ્યું કે 30 હજારથી વધુ મદરેસાઓને નિયંત્રણમાં રાખવામાં આવી છે.
પાક સરકારના આંતરિક મંત્રાલય હેઠળ આ ઓથોરિટી કામ કરે છે. સંગઠનો પર પ્રતિબંધની કાર્યવાહી પાક સરકારના 2015ના નેશનલ એક્શન પ્લાન હેઠળ કરવામાં આવી. તે પ્રમાણે, દેશના કટ્ટરપંથીઓ અને આતંકીઓને બહાર કરવાની વાત કહેવામાં આવી હતી.