નવી દિલ્હીના મોતી નગર વિસ્તારમાં બસઇ દારાપુરમાં એક વ્યક્તિની ચપ્પુ મારીને હત્યા કરી દેવામાં આવી છે. મરનારની ઓળખ ધ્રુવરાજ ત્યાગી (51) તરીકે થઈ છે. આ ઘટના ત્યારે બની જ્યારે ધ્રુવરાજે પોતાની દીકરીની છેડતી કરી રહેલા લોકોનો વિરોધ કર્યો હતો. ઘટનામાં ત્યાગીનો દીકરો પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે.

પોલીસે ઘટનામાં 2 સગીર સહિત 4 લોકોની ધરપકડ કરી છે. તેમની ઓળખ મોહમ્મદ આલમ અને જહાંગીર ખાન તરીકે થઈ છે. પોલીસે જણાવ્યા મુજબ ધ્રુવ રાજ ત્યાગી પરિવારની સાથે બસઇ દારાપુર વિસ્તારમાં રહેતો હતો. ગત રાત્રે તે દીકરી અને દીકરાની સાથે જઈ રહ્યો હતો. ગલીમાં ઊભેલાં લોકોને રસ્તો આપવાનું કહેતા ઝઘડો થઈ ગયો હતો. મામલો બે અલગ અલગ સમુદાયના લોકો સાથે જોડાયેલો હોવાથી આસપાસના વિસ્તારમાં તણાવનો માહોલ છે. ત્યાં પોલીસ દળ તહેનાત કરાયાં છે.

મૃતકના ભાઈએ જણાવ્યું કે, “મારો ભાઈ તેની દીકરીની સાથે હોસ્પિટલથી પરત આવી રહ્યો હતો. ત્યારે ચારથી પાંચ લોકોએ તેમનો રસ્તો રોકી લીધો હતો. અમારી દીકરીની છેડતી કરવામાં તેમજ આપત્તિજનક કોમેન્ટ્સ કરવામાં આવ્યા હતા. જે બાદ ભાઈએ દીકરીને ઘરે છોડીને તે લોકો પાસે ગયા હતા જે બાદ તેઓએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં આરોપીઓના પરિવારના લોકોએ પણ મદદ કરી હતી.”