બહુજન સમાજ પાર્ટી (બસપા)ના પ્રમુખ માયાવતીએ અલવર ગેંગરેપ મામલે ફરી એકવાર વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. સોમવારે માયાવતીએ કહ્યું, નરેન્દ્ર મોદી અલવર ગેંગરેપ મામલે મૌન રહ્યા. તેઓ આ મામલે ગંદું રાજકારણ રમવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરીને તેમની પાર્ટીને આ ઇલેક્શનમાં ફાયદો થાય. આ ખૂબ શરમજનક છે.

માયાવતીએ વડાપ્રધાન મોદી પર અંગત પ્રહાર કરતા કહ્યું કે તેઓ અન્ય લોકોની બહેન અને પત્નીઓનું સન્માન કેવી રીતે કરી શકે જેણે પોતે જ પોલિટિકલ ફાયદા માટે પોતાની પત્નીને છોડી દીધી હોય? માયાવતીએ કહ્યું કે, મને તો એ પણ જાણવા મળ્યું છે કે બીજેપીમાં ખાસ કરીને પરિણીત મહિલાઓ પોતાના પતિઓને નરેન્દ્ર મોદીની નજીક જતા જોઈને એવું વિચારીને ઘણી ગભરાઈ જતી હોય છે કે ક્યાંક મોદી પોતાની પત્નીની જેમ અમને પણ અમારા પતિઓથી અલગ ન કરી નાખે.
ઉલ્લેખનીય છે કે રવિવારે કુશીનગર રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલવરમાં દલિત મહિલા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના મામલે માયાવતી પર સીધો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બીએસપીના સહયોગથી ચાલતી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પાસેથી માયાવતીએ તરત જ પોતાનું સમર્થન પાછું લઇ લેવું જોઈએ. આ વાત પર માયાવતીએ પલટવાર કરીને કહ્યું હતું કે વડાપ્રધાને દલિત મહિલા સાથે થયેલા સામૂહિક અત્યાચારના મામલે નફરતની રાજનીતિ ન કરવી જોઈએ. માયાવતીએ એમ પણ કહ્યું કે યોગ્ય કાર્યવાહી ન થવા પર તેઓ રાજકીય નિર્ણય લેશે.