વિદેશી પરિબળોના ઈશારે તાલીમબદ્ધ મુસ્લિમ યુવાનો લવજેહાદનું ષડયંત્ર ચલાવે છેઃ ભાજપના નેતાનો ઘટસ્ફોટ
અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં લવજેહાદના બનાવો અટકાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે કાયદો બનાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ લવજેહાદના બનાવવો અટકાવવા માટે કાયદો બનાવવાની માંગણી ઉઠી રહી છે. દરમિયાન ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ ગુજરાતમાં કાયદો બનાવવા સરકાર સમક્ષ રજૂઆત કરાવાનું જણાવ્યું હતું. તેમજ હિન્દુ છોકરીઓને કેવી રીતે સકંજામાં લેવી એ માટે લવજેહાદની તાલીમ આપવામાં આવતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેમજ વિદેશી પરિબળોના ઈશારે કેટલાક મુસ્લિમ યુવાનો દેશમાં લવજેહાદનું આખુ ષડયંત્ર ચલાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, નોકરી કરતી હિન્દુ યુવતીઓની મજબુરીનો લાભ ઉઠાવીને મુસ્લિમ યુવાનો તેમને ફસાવે છે. બેથી 3 પત્ની ધરાવતા યુવાનો હિન્દુ યુવતીઓને ફસાવીને તેમની પાસેથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવે છે. કોઈ ધર્મનો વિરોધ નથી કરતો પરંતુ તાલીમ પામેલા મુસ્લિમ યુવાનો લવજેહાદના બનાવોને અંજામ આપે છે. આ યુવાનો વિદેશી પરિબળોના ઈશારે આમ કરી રહ્યાં છે. લવજેહાદના કાવતરામાં સંડોવાયેલા મુસ્લિમ યુવાનો હિન્દુ યુવતીઓને ટાર્ગેટ બનાવીને તેમનું જીવન બરબાદ કરી નાખે છે. જેથી ભાજપના નેતાએ હિન્દુ યુવતીઓને પણ આવા કાવતરાખોરોથી સાવઘાન રહેવા માટે અપીલ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ લવજેહાદ સામે કાયદો લાવવો જોઈએ. સમય આવ્યે આ અંગે ભાજપ અને સરકારમાં રજૂઆત પણ કરવામાં આવશે. લવજેહાદની ઘટના અંગે જાણતી પોલીસ પણ કાયદાના અભાવે કોઈ યોગ્ય કાર્યવાહી કરી શકતી નથી. પરંતુ લવજેહાદનો કાયદો બન્યાં બાદ આવા બનાવો જરૂર અટકશે.