લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 7 રાજ્યોની 59 બેઠકો પર થશે વોટિંગ, ભાજપની સામે 44 બેઠકો બચાવવાનો પડકાર
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં વોટર રવિવારે સાત રાજ્યોની કુલ 59 બેઠકો પર 979 ઉમેદવારોમાંથી પોતાની પસંદગીના સાંસદને ચૂંટશે. બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં જ્યાં આ વોટિંગનો અન્ય તબક્કો હશે, તો દિલ્હી અને હરિયાણાની તમામ બેઠકો પર એક જ તબક્કામાં વોટિંગ થશે.
ત્રિપુરા વેસ્ટ લોકસભા બેઠક હેઠળ 26 વિધાનસભા બેઠકો પર રવિવારે ફેરમતદાન પણ થશે. ત્રિપુરા વેસ્ટમાં પહેલા તબક્કામાં એટલે કે 11 એપ્રિલે વોટિંગ થયું હતું. પરંતુ ચૂંટણી પંચે તેને રદ્દ જાહેર કર્યું હતું.
ભાજપને 2014માં 35.8 ટકા વોટ શેયર સાથે આ 59 બેઠકોમાંથી 44 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ હતી. જો કે બાદમાં એક બેઠક પર પેટાચૂંટણીમાં હાર પણ થઈ હત. આ તબક્કામાં ભાજપના વોટ શેયર 2014માં તેના નેશનલ વોટ શેયર 31 ટકા કરતા લગભગ પાંચ ટકા વધારે રહ્યા હતા. ભાજપના સાથીપક્ષ એલજેપીએ પણ એક બેઠક જીતી હતી. તેનો અર્થ એ છે કે આ તબક્કામાં ભાજપને જ સૌથી વધારે બેઠકો બચાવવાનો પડકાર છે. આ 59 બેઠકોમાંથી ટીએમસીને 8, કોંગ્રેસને 2, સમાજવાદી પાર્ટીને 2 અને આઈએનએલડીને પણ બે બેઠકો મળી હતી. ભાજપના સાથી પક્ષો એલજેપી અને અપનાદળને 1-1 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપનો મુકાબલો કરવા માટે ગઠબંધનને લઈને વાતચીત કરી હતી. આ વાતચીત નિષ્ફળ રહી હતી. તેથી હવે અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. 2014માં ભાજપે દિલ્હીની તમામ સાત બેઠકો પર જીત પ્રાપ્ત કરી હતી. પાડોશી હરિયાણાની 10 લોકસભા બેઠકો માટે પણ રવિવારે વોટિંગ થશે. અહીંના પરિણામ 2019માં બાદમાં થનારી વિધાનસભાની ચૂંટણીના સંભવિત પરિણામોની ઝલક હશે. હરિયાણામાં ભાજપે ગત વખતે સાત બેઠકો પર કબજો કર્યો હતો. બિહારમાં પણ ભાજપની લડાઈ ઘણી મોટી છે. આ તબક્કામાં પાર્ટીએ 2014માં પોતાની જીતેલી ત્રણ બેઠકોને સાથીપક્ષ જેડીયુને આપી દીધી છે. જે ગત ચૂંટણીમાં આ ત્રણ બેઠકો પરથી ભાજપની પ્રતિસ્પર્ધી હતી.
યુપીના પૂર્વાંચલની 14 બેઠકો પર પણ આ તબક્કામાં વોટિંગ થવાનું છે. યુપીમાં આ તબક્કો ભાજપ, કોંગ્રેસ અને એસપી-બીએસપી ગઠબંધન એમ ત્રણેય માટે ઘણો મહત્વપૂર્ણ છે. ભાજપે ગત વખતે યુપીની આ 14 બેઠકોમાંથી 12 બેઠકો પર કબજો કર્યો હતો. જો કે વોટોના ગણિત એસપી-બીએસપી ગઠબંધનની તરફેણમાં છે. તેમના સંયુક્ત વોટ શેયર માત્ર એક બેઠકને બાદ કરતા તમામ બેઠકો પર ભાજપથી વધારે હતા.
કોંગ્રેસ માટે પણ પૂર્વાંચલ ઘણું મહત્વપૂર્ણ છે, કારણ કે 2009માં જ્યારે તે યુપીમાં જે 21 બેઠકો પર જીતી હતી. તેમાથી 18 બેઠકો એકલા પૂર્વાંચલમાં હતી. અહીં કોંગ્રેસની બાગડોર પ્રભારી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના હાથમાં છે.
ફૂલપુર લોકસભા બેઠક જ્યાં ભાજપે ગત વખત જીત પ્રાપ્ત કરી હતી, પરંતુ 2018ની પેટાચૂંટણીમાં તેની હાર થઈ હતી. ત્યાં પણ આ તબક્કામાં વોટિંગ છે. એસપી-બીએસપીની વચ્ચે પરસ્પર રાજકીય સમજના ઉપયોગની શરૂઆત ફૂલપુર અને ગોરખપુર ખાતેની પેટાચૂંટણીમાં થઈ હતી. આ બંને બેઠકો પર છેલ્લા તબક્કામાં 19મી મેના રોજ વોટિંગ છે. ફૂલપુર અને ગોરખપુર લોકસભા બેઠકની પેટાચૂંટણી અઢી દશકાઓ બાદ સપા-બસપાના સાથે આવવાનો પાયો નાખનારી સાબિત થઈ હતી.
છઠ્ઠા તબક્કામાં મધ્યપ્રદેશની આઠ બેઠકોમાંથી સાત બેઠકો પર ભાજપને ગત ચૂંટણીમાં જીત પ્રાપ્ત થઈ હતી અને બાકીની એક બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ હતી. તેમાથી ભોપાલ પર દેશભરની નજર છે. અહીં મુકાબલો કોંગ્રેસના કદ્દાવર નેતા દિગ્વિજયસિંહ અને ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર વચ્ચે છે. સાધ્વી પ્રજ્ઞા 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે. ઝારખંડમાં પણ સત્તાધારી ભાજપનને મહાગઠબંધન દ્વારા આકરો પડકાર મળી રહ્યો છે. જ્યાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા સહીત ચાર પક્ષો સાથે છે. વાત જો પડોશી પશ્ચિમ બંગાળની કરીએ તો આ તબક્કામાં અહીંની આઠ બેઠકો પર વોટિંગ થવાનું છે. આ તમામ બેઠકો ઝારખંડ સીમા નજીકના આદિવાસી બેલ્ટની છે. 2014માં આ તમામ આઠ બેઠકો પર ટીએમસીએ કબજો જમાવ્યો હતો. જો કે 2018ની પંચાયતની ચૂંટણીઓમાં ભાજપે અહીં શાનદાર દેખાવ કર્યો હતો.
છઠ્ઠા તબક્કાની આ 59 બેઠકોમાંથી 34 બેઠકો રેડ એલર્ટ સીટ છે, તેનો અર્થ છે કે આ બેઠકો પર દરેકમાં ત્રણ અથવા તેનાથી વધારે ઉમેદવારો વિરુદ્ધ ફોજદારી મામલા નોંધાયેલા છે. ચૂંટણી લડી રહેલા 20 ટકા ઉમેદવારો વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમાંથી સૌથી વધુ ભાજપના 26 ઉમેદવારો સામે નોંધાયા છે.
ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા ઉમેદવારોના મામલામાં કોંગ્રેસ 20 ઉમેદવારો સાથે બીજા ક્રમાંકે અને બીએસપી 19 ઉમેદવારો સાથે ત્રીજા ક્રમાંકે છે. આ તબક્કામાં કુલ 54 ઉમેદવારો કરોડપતિ છે અને તેમાના 46 ઉમેદવારો એકલા ભાજપના છે. છઠ્ઠા તબક્કામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સરેરાશ મિલ્કત 3.41 કરોડ છે.