‘રડારથી બચાવશે વાદળ’ પછી સોશિયલ મીડિયા પર મોદી ફરી છવાયા, કહ્યું- ‘1987માં યુઝ કર્યો ડિજિટલ કેમેરા અને ઇ-મેઇલ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યમાં સવાલોના જવાબ ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પર શેર કરવામાં આવી રહ્યા છે. પહેલા પીએમ મોદીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઈકને લઇને તેમણે એક્સપર્ટ્સને સલાહ આપી હતી કે, ખરાબ હવામાનને કારણે તેને ટાળવામાં ન આવે. તેની સાથે જ તેમણે કહેલું કે વાદળા હોવાને કારણે ભારતીય વિમાન પાકિસ્તાનના રડારમાં આવવાથી બચી શકે છે.

હવે એક અન્ય વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે, જેમાં મોદી કહી રહ્યા છે કે તેમણે ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણીનો રંગીન ફોટો પાડવા માટે વર્ષ 1988માં ડિજિટલ કેમેરાનો ઉપયોગ કર્યો હતો. તે સાથે જ તેમણે જણાવ્યું કે તે સમયે તેમણે ઇ-મેઇલનો ઉપયોગ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ દાવા અંગે ઘણા લોકોએ ફેક્ટ ચેક કરીને જણાવ્યું કે ઇ-મેઇલ સર્વિસ 1995 પહેલા હતી જ નહીં. અર્થશાસ્ત્રી રૂપા સુબ્રમણ્યાએ ટ્વિટ કરી કે, ‘1995માં અધિકૃત રીતે લોન્ચ થયા પહેલા જ પીએમ મોદીએ ભારતમાં વર્ષ 1988માં તેનો ઉપયોગ કરી લીધો હતો.’
ન્યુઝ નેશનને આપેલા ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું, ‘આશરે 1987-88માં મેં પહેલીવાર ડિજિટલ કેમેરાનો ઉપયોગ કર્યો હતો. તે સમયે બહુ ઓછા લોકો ઇ-મેઇલનો ઉપયોગ કરતા હતા. આડવાણીજીની રેલી હતી. તે સમયે ડિજિટલ કેમેરાની સાઈઝ બહુ મોટી હતી. મારી પાસે ડિજિટલ કેમેરા હતો. મેં આડવાણીનો ફોટો ક્લિક કર્યો અને તેમને દિલ્હી મોકલી દીધો. રંગીન ફોટો પ્રકાશિત થયો હતો. આડવાણી આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા અને કહ્યું કે આજે મારો રંગીન ફોટો કેવી રીતે છપાયો?’
સોશિયલ મીડિયા પર યુઝર્સ પીએમ મોદીના આ નિવેદનને શેર કરીને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. યુઝર્સે જણાવ્યું કે પહેલો ડિજિટલ કેમેરા નિકોન કંપનીએ વર્ષ 1987માં વેચ્યો હતો અને કમર્શિયલ ઇ-મેઇલ 1990-95માં શરૂ કરવામાં આવ્યા હતા.
પૂર્વ રાજ્યસભા સાંસદ શાહિદ સિદ્દિકીએ ટ્વિટ કરીને કહ્યું, ‘મોદીએ ગટરમાંથી ગેસ બનાવવો અને રડારથી બચાવનારા વાદળોની માફક ડિજિટલ કેમેરા શોધ્યો છે.’ જ્યારે કોંગ્રેસ નેતા દિવ્યા સ્પંદનાએ ટ્વિટ કરી, ‘સવાલ એ છે કે જો 1988માં તેમનું ઇ-મેઇલ આઇડી હતું, જ્યારે આખા વિશ્વમાં નહોતું તો તેમને ઇ-મેઇલ કોણ મોકલતું હતું.’