Weather Alert: હવમાન બદલાશે, દિલ્હી-એનસીઆરમાં ધૂળ ભરેલી આંધી, હિમાચલમાં કરાં પડવાની ચેતવણી
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરની સાથે હિમાચલ પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં લોકોને ગરમીમાંથી રાહત મળે તેવા આસારા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે. તેના કારણે હળવા વાદળ છવાયેલા રહેવાની અને ધૂળ ભરેલી આંધીની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં 10, 11, અને 13 મેના રોજ આંધી અને કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ભારતના ઘણાં વિસ્તારોમાં ગત કેટલાક દિવસોથી ચાલી રહેલી ધૂળ ભરેલી આંધીની અસર દિલ્હી-એનસીઆરની હવા પર પણ જોવા મળી રહી છે. દિલ્હી-એનસીઆરમાં આકાશમાં ધૂળના કણોનું પ્રમાણ વધી ગયું છે. તેના કારણે શ્વાસ સંબંધિત બીમારીઓના દર્દીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે હવાની ગુણવત્તામાં સુધારાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 13 મે અને 14મી મેના રોજ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ થવાના પણ આસાર છે.
સિસ્ટમ ઓફ એર ક્વાલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ એટલે કે સફરે ગુરુવારે દિલ્હીમાં એર ક્વોલિટી સૂચકાંક 408 એક્યૂઆઈ નોંધ્યો છે. જ્યારે સીબીસીબીએ આને બેહદ ખરાબ 347 એક્યુઆઈ નોંધ્યો છે. જો વરસાદ ઓછો અથવા નહીં થાય તો પશ્ચિમી રાજસ્થાન અને ઉત્તર ગુજરાતથી ફૂંકાનારા ધૂળ ભરેલા પવનને કારણે દિલ્હી-એનસીઆરની હવામાં ધૂળના રજકણોનું પ્રમાણ વધવાની શક્યતા છે.
ભુવનેશ્વર ખાતે આવેલા પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્રે ઓડિશાના પાંચ જિલ્લામાં ગાજવીજ સાથે આંધી અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જે જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં રાયગઢ, ગજપતિ, કંધમાલ, ગંજામ અને નયાગઢ જિલ્લા સામેલ છે. હવામાન વિભાગ પ્રમાણે, આ જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના મકાનોમાં જ રહે.
હિમાચલ પ્રદેશમાં આંધી ચાલવાને કારણે કરા વૃષ્ઠિથી સફરજનના પાકને નુકસાન પહોંચવાની આશંકાથી બગીચાના માલિકોની ચિંતામાં વધારો થયો છે. હિમાચલ પ્રદેશમાં ગુરુવાર સુધી ભારે ગરમીના કારણે લોકોને લુનો સામનો કરવો પડયો છે. ગુરુવારે હિમાચલ પ્રદેશમાં સૌથી વધારે તાપમાન ઉનામાં 1.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દેશમાં સૌથી વધારે ગરમી હિસારમાં 43.4 ટકા ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી. શુક્રવારે 50 કિલોમીટરની ઝડપે આંધી ચાલવાની આશંકા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતીય ઉપખંડના ઉતરીય વિસ્તારોમાં શિયાળામાં આવનારા એવા તોફાનને કહે છે કે જે વાયુમંડળના ઊંચા સ્તરોમાં ભૂમધ્ય સાગર, અટલાન્ટિક મહાસાગર અને કેટલીક હદે કેસ્પિયન સાગરથી ભેજ લઈને તેને અચાનક વરસાદ અને બરફવર્ષાના સ્વરૂપે ઉત્તર ભારત, પાકિસ્તાન અને નેપાળમાં ત્રાટકે છે. આ એક બિનચોમાસુ વરસાદ છે. જે વેસ્ટર્લીઝ દ્વારા સંચાલિત થાય છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભૂમધ્ય સાગરમાં વધારાના ઉષ્મકટિબંધીય ચક્રવાતોના સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે. યુક્રેન અને તેની આસપાસના ક્ષેત્રો પર એક ઉચ્ચ દબાણ ક્ષેત્ર હોવાને કારણે, ધ્રુવીય ક્ષેત્રોમાંથી ઉચ્ચ માત્રામાં ભેજની સાથે અપેક્ષાકૃત ગરમ હવાને કારણે એક ક્ષેત્ર તરફ ઠંડા પવન પ્રવાહીત થવા લાગે છે. તેની ઉપરના વાયુમંડળમાં સાઈક્લોજેનેસિસ માટે અનુકૂળ પરિસ્થિતિઓ ઉત્પન્ન થવા લાગે છે, જે એક પૂર્વમુખી- વધતા એક્સટ્રેટોપિકલ ડિપ્રેશનની રચનામાં મદદગાર થાય છે. બાદમાં ધીરેધીરે આ ચક્રવાત ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મધ્ય-પૂર્વથી ભારતીય ઉપખંડમાં પ્રવેશ કરે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખાસ કરીને શિયાળામાં ભારતીય ઉપખંડના નીચલા-મધ્ય વિસ્તારોમાં ભારે વરસાદ અને પહાડી ક્ષેત્રોમાં ભારે બરફવર્ષા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. કૃષિમાં આ વરસાદનું ઘણું મહત્વ છે, ખાસ કરીને રવિ પાક માટે તેનું ખાસ મહત્વ છે. આમા ઘઉં સૌથી મહત્વપૂર્ણ પાકમાંથી એક છે, જે ભારતની ખાદ્ય સુરક્ષા પૂર્ણ કરવામાં મદદ કરે છે.