બિહારના 3.5 લાખ કોન્ટ્રાક્ટ ટીચરોને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો, સમાન કામના બદલે સમાન વેતન નહીં મળે
નવી દિલ્હી: બિહારમાં કામના આધારે સ્થાયી શિક્ષકો જેટલા પગારની માગણી કરી રહેલા સાડા ત્રણ લાખ નિયોજીત શિક્ષકોને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે બિહાર સરકારની અપીલને મંજૂર કરતા પટના હાઈકોર્ટના ચુકાદાને રદ્દ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે પટના હાઈકોર્ટે કોન્ટ્રાક્ટ ટીચરોને નિયમિત સરકારી શિક્ષકો જેટલું વેતન આપવા માટે આદેશ કર્યો હતો. આ આદેશને બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને આદેશ પર રોક લગાવવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવાથી ઈન્કાર કર્યો હતો. બિહાર સરકાર તરફથી વિશેષ મંજૂરી અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટ ટીચર પંચાયતી રાજના એકમોના કર્મચારી છે અને બિહાર સરકારના કર્મચારી નથી, તેવામાં તેમને સરકારી ટીચરો જેટલો પગાર આપી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે આના સંદર્ભેની 11 અરજીઓ પર સુનાવણી કરી હતી. તેના પછી સુપ્રીમ કોર્ટે 3 ઓક્ટોબર-2018ના નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો. ત્યારથી સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની લાખો કોન્ટ્રાક્ટ શિક્ષકો રાહ જોઈ રહ્યા હતા. બિહારના ત્રણ લાખ અને 56 હજાર શિક્ષકોની આશા સુપ્રીમ કોર્ટ પર મંડાયેલી હતી. મહત્વપૂર્ણ છે કે બિહારમાં સમાન કામ માટે સમાન વેતનની માગણીને લઈને નિયોજીત શિક્ષક ઘણાં સમયથી આંદોલન કરી રહ્યા છે. પહેલા આ મામલામાં પટના હાઈકોર્ટે શિક્ષકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને બિહાર સરકારને સમાન વેતન આપવાનો નિર્દેશ પણ કર્યો હતો. જો કે બિહારની નીતિશ કુમારની સરકારે હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ મામલામાં ચુકાદો સુરક્ષિત રાખતા પહેલા અરજી પર સુનાવણી કરી હતી. શિક્ષક સંઘ તરફથી એડવોકેટે કહ્યુ હતુ કે પટના હાઈકોર્ટે સમાન કામ-સમાન વેતનના પક્ષમાં યોગ્ય ચુકાદો આપ્યો છે. સરકાર નિર્ણયને લાગુ નહીં કરીને કારણ વગર કોન્ટ્રાક્ટ શિક્ષકોને પરેશાન કરી રહી છે. શિક્ષક સંઘ તરફથી કોર્ટમાં તર્ક અપાઈ રહ્યો છે કે સમાન કામ માટે સમાન વેતન, કોન્ટ્રાક્ટ શિક્ષકોનો મૂળભૂત અધિકાર છે.
તો કેન્દ્ર સરકાર કોન્ટ્રક્ટ શિક્ષકોનેસમાન વેતન આપવા માટે રકમ વધારવા માટે સંમત દેખાઈ ન હતી. સુપ્રીમ કોર્ટમાં અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કહ્યુ હતુ કે શિક્ષકોની નિયુક્તિ અને વેતન આપવું રાજ્ય સરકારનું કામ છે. તેમા કેન્દ્રની કોઈ ભૂમિકા નથી. કેન્દ્ર સરકારે તર્ક આપ્યો હતો કે નિયમિત શિક્ષકોની બહાલી બીપીએસસીના માધ્યમથી થઈ છે. તો કોન્ટ્રાક્ટ શિક્ષકોની બહાલી પંચાયતી રાજ સંસ્થાના કોન્ટ્ર્ક્ટ હેઠળ થઈ છે. માટે તેમને સમાન વેતન આપી શકાય નહીં.
કેન્દ્ર સરકાર તરફથી અટોર્ની જનરલે કોન્ટ્રાક્ટ ટીચરો સંદર્ભે કહ્યુ છે કે સર્વ શિક્ષા અભિયાનના શીર્ષક હેઠળ રકમ રાજ્યોની વસ્તી અને શૈક્ષણિક પછાતપણાના આધારે આપવામાં આવે છે, વેતનમાં વધારા માટે નહીં. સર્વ શિક્ષા અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોના કેન્દ્રાંશ ઉપલબ્ધ કરાવે છે. કેન્દ્ર સરકાર આ રકમ હેઠળ વેતન માટે રકમ આપી શકતી નથી. રાજ્ય સરકાર ચાહે તો પોતાના સંસાધનથી સમાન કામના બદલામાં સમાન વેતન આપી શકે છે. દરેક રાજ્ય પોતાના સંસાધનોથી જ સમાન કામ સમાન વેતન આપી રહ્યા છે.