કેજરીવાલે રૂ.6 કરોડમાં ટિકિટ વેચ્યાનો આપના ઉમેદવારના પુત્રનો આરોપ
પશ્ચિમ દિલ્હી સીટ પરથી આપ ઉમેદવાર બલબીર જાખડના દીકરાએ દાવો કર્યો છે કે તેમના પિતાએ ટિકિટના બદલામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 6 કરોડ રૂપિયા આપ્યા છે. જાખડના દીકરા ઉદયે કહ્યું, ‘મારી પાસે વિશ્વસનીય પુરાવાઓ પણ છે.’ દિલ્હીની સાતેય સીટ્સ પર 12 મેના રોજ મતદાન છે.
ઉદયે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું, ‘મારા પિતા બલબીર જાખડ ક્યારેય અન્ના આંદોલન કે આપ સાથે નથી જોડાયા. તેઓ જાન્યુઆરીમાં જ રાજકારણમાં આવ્યા છે. તેમણે મને જણાવ્યું કે તેમને લોકસભા ચૂંટણીમાં ટિકિટ મળી રહી છે. આ માટે તેમણે 6 કરોડ રૂપિયા કેજરીવાલ અને ગોપાલરાયને આપ્યા.’
ઉદયના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેના પિતા બલબીર જાખડે કહ્યું કે હું આ આરોપોને વખોડી નાખું છું. મારી ઉમેદવારી અંગે મેં મારા દીકરા સાથે ક્યારેય કોઈ ચર્ચા નથી કરી. હું તેની સાથે ભાગ્યે જ બોલું છું.
બલબીર જાખડે કહ્યું કે મારો દીકરો જન્મ્યો ત્યારથી તેના મામાના ઘરે જ રહે છે. મેં મારી પત્નીને 2009માં ડાયવોર્સ આપ્યા હતા. અમારા છૂટાછેડા પછી ઉદયની કસ્ટડી મારી પત્નીને સોંપવામાં આવી હતી.
ઉદયે જણાવ્યું, “જ્યારે મેં મારા પિતાને કહ્યું હતું કે ભણવા માટે પૈસાની જરૂર છે તો તેમણે મને ના પાડી દીધી. તેમણે વિચાર્યું કે તેઓ આ પૈસાનો ઉપયોગ ચૂંટણીઓમાં કરી શકશે. આ ખુલાસા પછી મને નથી ખબર મારું શું થશે? મારો પરિવાર મને અપનાવશે કે નહીં. મને નથી ખબર.”
ઉદયે જણાવ્યું કે તેના પિતાએ 1984ના શીખ રમણાણોના દોષી સજ્જનકુમારને જામીન અપાવવાની પણ કોશિશ કરી હતી. તેણે કહ્યું, મારા પિતાએ જણાવ્યું હતું કે તેઓ સજ્જનકુમાર અને યશપાલ માટે કોર્ટ જવા તૈયાર છે. પશ્ચિમ દિલ્હીથી આપના બલબીર જાખડ, કોંગ્રેસના મહાબલ મિશ્રા અને ભાજપના હાલના સાંસદ પ્રવેશ વર્માને ટિકિટ આપવામાં આવી છે.