શિવ કા દાસ કભીના ઉદાસ, શ્રાવણે શિવ દર્શન, રાજકોટના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા
- રામનાથ મહાદેવ મંદિરે શિવભકતોનો જમાવડો
- તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા
- માસ્ક વગર ભક્તોને મંદિરમાં પ્રવેશ મળશે નહીં
રાજકોટ: શ્રાવણ સુદ એકમ એટલે કે શિવજીનો પ્રિય અને પવિત્ર એવો શ્રાવણ માસ. શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે સમગ્ર ગુજરાતના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે અને ચારે બાજુ અનેક નાના – મોટા શિવાલયો આવેલા છે. શ્રાવણે શિવદર્શનની યુક્તિ સાર્થક કરતા રાજકોટના શિવાલયોમાં શ્રાવણ માસની શરૂઆત થતા સોશિયલ ડિસ્ટન્સ સાથે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે.
શ્રાવણ માસ હોય અને શિવભક્તોમાં ઉત્સાહ ન હોય તેવું બને જ નહીં. આ જ કારણો સર શિવભક્તો શિવમય બની જતા હોય છે. મંદિરમાં ભગવાન શિવની પૂજા – અર્ચના કરવામાં આવતી હોય છે અને દર સોમવારે દીપમાળા તેમજ જાત – જાતના અને ભાત – ભાતના ભભકાદાર શૃંગારોથી મંદિરો શોભી ઉઠતા હોય છે. આરતીમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે અનેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
કોરોનાવાયરસને ધ્યાનમાં રાખતા ભક્તો વખતે અભિષેક કરી શકશે નહીં. મંદિરની વ્યવસ્થાપન સમિતિ દ્વારા આ માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે, જે કોઈ વ્યક્તિ માસ્ક નહીં પહેરે તેને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ખાસ પાલન કરવુ પડશે.
ભક્તોની ભગવાન શિવ પ્રત્યેની આસ્થા અને શ્રધ્ધા છે તેમાં કોઈ શંકા નથી પણ ભગવાનનો ભક્તોને કાંઈ થાય તે માટે મંદિર પ્રશાસન પણ ધ્યાન રાખી રહ્યા છે અને મંદિરમાં ફૂલ-હાર, પ્રસાદ ચઢાવવાની પ્રથાને થોડા સમય પુરતી બંધ રાખવામાં આવી છે. રાજકોટના રામનાથ મહાદેવ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
(Devanshi)