રાજકોટમાં યોજાતા લોકમેળાઓ પર રોક, કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટ્રમી સહિતના પર્વમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જો કે, ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં લોકમેળા નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર એવું થયું હશે કે શ્રાવણ મહિનામાં રાજકોટવાસીઓ લોકમેળાનો આનંદ નહીં માણી શકે.
સૌરાષ્ટ્રમાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રાવણ મહિનામાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. તેમજ લોકો ઉત્સાહભેર લોકમેળાનો આનંદ માણે છે. સૌરાષ્ટ્રમાં લોકમેળાનું વિશેષ મહત્વ છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટ્રમીના પર્વ પર પાંચ દિવસ સુધી લોકમેળા યોજાય છે. રાજકોટમાં પણ વિશાળ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દસ લાખ રાજકોટવાસીઓ આનંદ માણે છે. જો કે, ચાલુ વર્ષે કોરના મહામારીને પગલે લોકમેળાનું આયોજન નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે પવિત્ર શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવજીના દર્શન કરવા શિવાલય જાય છે. જો કે, કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાની શકયતાને ધ્યાનમાં રાખીને કેટલાક મંદિરમાં ભક્તોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલાક ગામોમાં સ્વૈચ્છીક લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે.