- કોરોનાને પગલે દર્શન બંધ રાખવાનો કરાયો નિર્ણય
- ભક્તો ઘરે બેઠા ઓનલાઈન દર્શન કરી શકશે
અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવામાં આવે છે. જો કે, ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે સંક્રમણ ન ફેલાય તે માટે 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર એમ કુલ 12 દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. આમ ભક્તો ભાદરવી પૂનમના મેળામાં માતાજીના દર્શન નહીં કરી શકે. જો કે, ભક્તો ઓનલાઈન માતાજીના દર્શન કરી શકે તેવી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુજરાતમાં આગામી ભાદરવી પૂર્ણિમાનો મહામેળો 27 ઓગસ્ટથી થી 2 સપ્ટેમ્બરના સમયગાળામાં યોજાનાર હતો. ભાદરવી પૂનમના મહામેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ગુજરાત તથા બહારના રાજયોમાંથી દર્શનાર્થે આવે છે. જો કે, અંબાજી ગામનો વિસ્તાર જોતાં દૈનિક 3 થી 4 લાખ યાત્રાળુઓ એકઠા થાય તો કોરોના વાયરસ સંક્રમણની પુરેપુરી શકયતાઓ રહેલી છે. મંદિર ખુલ્લુ રાખતા યાત્રાળુઓનો ધસારો વધી જાય તો કાયદો વ્યવસ્થા જાળવવી પણ ખૂબ જ મુશ્કેલ બને. આ તમામ વિગતો ધ્યાને લઈ 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર એમ કુલ 12 દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.
કલેકટરે જણાવ્યું હતું કે યાત્રાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરેબેઠાં ઓનલાઈન માતાજીના દર્શન- ગબ્બર દર્શન, યજ્ઞ દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. માઈભકતોની ધાર્મિક આસ્થા જળવાઈ રહે તે માટે અંબાજી મંદિર દ્વારા પૂજા કરેલી ધજાઓ દર વર્ષે પગપાળા આવતા 1400 જેટલાં રજીસ્ટર્ડ સંઘોને ભાદરવી પૂનમીયા સેવા સંઘ ટ્રસ્ટ મારફત ધજાઓ પહોચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ ધજા દરેક સંઘ પોતાના રથ અથવા ગામના મંદિર ઉપર ધાર્મિક વિધિ સાથે અર્પણ કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે.