બલૂચિસ્તાન: ગ્વાદરની પર્લ કોન્ટિનેન્ટલ હોટલમાં આતંકીઓ અને પાકિસ્તાની સુરક્ષાદળો વચ્ચે ફાયરિંગ
ક્વેટા: પાકિસ્તાનથી આઝાદીની માગણી કરી રહેલા બલૂચિસ્તાનના ગ્વાદર ખાતેની પર્લ કોન્ટિનેન્ટલ ફાઈવસ્ટાર હોટલ ખાતે ચાર સશસ્ત્ર ઉગ્રવાદીઓ ઘૂસ્યાના અહેવાલ છે. ગ્વાદર સ્ટેશન હાઉસ ઓફિસર અસલમ બાંગુલજઈએ કહ્યુ છે કે હોટલ ખાતે ફાયરિંગ થઈ રહ્યું છે.

એસએચઓ મુજબ, સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ અહેવાલ મળ્યા હતા કે ત્રણથી ચાર બંદૂકધારીઓ પર્લ કોન્ટિનેન્ટલ હોટલમાં ઘૂસ્યા છે. છેલ્લા અહેવાલ સુધીમાં ફાયરિંગ ચાલી રહ્યું છે, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલના આંકડા સામે આવ્યા નથી.
ગ્વાદરના પોલીસ અધિકારી પ્રમાણે હોટલની અંદર કોઈ વિદેશીઓ નથી.
એસએચઓ બાંગુલજઈએ કહ્યુ છે કે વધારાની પોલીસ કુમકો, એન્ટિ ટેરરીઝમ ફોર્સ અને સેના એમ તમામ હોટલ ખાતે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે હાજર છે.
ડૉન ન્યૂઝ ટીવીએ પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ફ્રન્ટિયર કોર્પ્સના સુરક્ષાકર્મીઓ દ્વારા હોટલની ઘેરાબંધી કરવામાં આવી છે અને કોઈને પણ ત્યાં જવા દેવામા આવતા નથી.
પર્લ કોન્ટિનેન્ટલ હોટલ ગવાદરની કોહ-એ-બાતિલ હિલ ખાતે આવેલી છે. તે ફિશ હાર્બર રોડ પર છે. આ હોટલમાં કારોબારી અને પર્યટકોનો સતત આવરો-જાવરો રહે છે.
ગ્વાદરના ઓરમારા ખાતે બંદૂકધારીઓ દ્વારા પાકિસ્તની નેવી, એરફોર્સ અને કોસ્ટગાર્ડના 11 સહીત 14 લોકોને ગોળી મારવાના થોડાક સપ્તાહો બાદ અહીં ઉગ્રવાદી હુમલો થયો છે.
મહત્વપૂર્ણ છે કે ચીન પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટને વિકસિત કરવા માટેની કામગીરી કરી રહ્યું છે. બીજિંગ દ્વારા ગ્વાદર પોર્ટને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડતા ચીન પાકિસ્તાન કોરિડોરને વિકસિત કરવા માટે 50 અબજ ડોલરથી વધારેનું રોકાણ કરવામાં આવ્યું છે.