ચીન માટે ખતરાની ઘંટી: ભારત, અમેરિકા, યુકે, તાઈવાન, તિબેટ અને હોંગકોંગ બાદ શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ અને ભૂતાનની પ્રજા પણ ચીનથી નારાજ
દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ચીનનો વિસ્તારવાદી ચહેરો દુનિયાની સામે આવી ચૂક્યો છે. ત્યારે ભારતના પડોશી રાષ્ટ્ર એવા શ્રીલંકા, પાકિસ્તાન, ભૂતાન સહિતના દેશોની પ્રજા પણ પોતાના દેશમાં ચીનની વધી રહેલી દખલગીરીનો વિરોધ કરી રહ્યાં છે. અમેરિકા, યુકે સહિતના દેશો પણ ચીનની નીતિનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે હવે ચીન દુનિયાથી અલગ પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારત દ્વારા આક્રમણ વલણ અપનાવીને સરકારી યોજનાની કામગીરીમાંથી ચીનની કંપનીઓને દુર કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના કારણે ચીનને મોટો આર્થિક ફટકો પડ્યો છે. એટલું જ નહીં સીમા ઉપર ભારતીય સેનાએ ચીનની સેનાને જડતાબોડ જવાબ આપતા ચીનના શાસકો ચિંતામાં મુકાયાં છે. બીજી તરફ ચીને ભારતને ઘેરવા માટે ભારતના પડોશી એવા નેપાળ, શ્રીલંકા અને પાકિસ્તાન સાથે સંબંધ વધાર્યાં હતા. પરંતુ આ દેશોમાં પણ ચીનની દખલગીરીને કારણે પ્રજા પણ હવે વિરોધ કરી રહી છે.
કોરોના મહામારીને કારણે દુનિયાના વિવિધ દેશોના નિશાના ઉપર રહેલા ચીને ભારત સામે પડોશી એવા નેપાળને આર્થિક મદદની તૈયારીઓ દર્શાવી હતી. પરંતુ નેપાળના કૃષિ મંત્રાલયના રિપોર્ટ અનુસાર ચીને નેપાળની દસ જગ્યા ઉપર કબજો જમાવી લીધો લીધો છે. રૂઈ ગામ હવે માત્ર નેપાળના નકશામાં છે. ચીને આ ગામ ઉપર કબજો જમાવીને તેને તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં સામેલ કરી લીધું છે. એટલું જ નહીં અહીં માર્ગ નેટવર્કની કામગીરી પણ શરૂ કરી દીધી છે. જેનો નેપાળની જનતાની સાથે વિપક્ષ પણ વિરોધ કરી રહી છે. આવી જ રીતે ચીને શ્રીલંકા સાથે સંબંધ વધાર્યાં હતા. જેથી હંબનટોટા બંદર ચીનને 99 વર્ષ માટે લીઝ ઉપર શ્રીલંકાએ આપ્યું હતું. પરંતુ ચીનની હકીકત સામે આવતાની સાથે જ હવે શ્રીલંકા ફરી એકવાર ભારતની નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમજ શ્રીલંકા ના વિદેશ સચિવ જયનાથ કોલંબેજને ચીનને લીઝ ઉપર બંદર આપવાના નિર્ણયને ભૂલ ગણાવી છે. એટલું જ નહીં વિદેશનીતિમાં ફેરફાર કરીને ભારત પહેલા તેવો દ્રષ્ટીકોણ અપનાવ્યો છે.
ભારતને બરબાદ કરવાના વર્ષોથી ઈરાદા ધરાવતા પાકિસ્તાન ઉપર ચીનના ચાર હાથ છે. પાકિસ્તાન પીઓકેમાં ચીન નીલમ અને ઝેલમ નદી ઉપર મેગા ડેમ બનાવવાની કામગીરી કરી રહ્યું છે. જેથી પીઓકેની જનતા વિરોધ કરી રહી છે. તેમજ રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે. એટલું જ નહીં આગામી દિવસોમાં આ કામગીરીની સામે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
વિસ્તારવાદી ચીનની નાપાક નજર પૂર્વીય ભૂતાનના સકતેંગ વન્યજીવ અભ્યારણ્ય પર છે. એટલું જ નહીં તાજેતરમાં આ અભ્યારણ્ય ઉપર દાવો કર્યો હતો. જો કે, ભૂતાને ચીનના આ પગલાનો વિરોધ કર્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ચીન-ભૂતાન વચ્ચે ક્યારે સીમા નિર્ધારિત થઈ નથી. ચીનના આ પગલાનો ભૂતાનની જનતા પણ વિરોધ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનની નીતિઓનો હોંગકોંગ અને તાઈવાન પણ વિરોધ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકા સહિતના દુનિયાના મોટાભાગના દેશો પણ ચીનથી નારાજ છે. ત્યારે હવે ભૂતાન, શ્રીલંકા, પાકિસ્તાન અને નેપાળમાં પણ ચીનની સામે વિરોધનો વંટોળ ઉભો થતા ચીન એકલુ પડી રહ્યું છે.