- narendramodi.in ટ્વિટર એકાઉન્ટ થયું હેક
- હેકરે પીએમ રિલીફ ફંડ માટે બિટકોઈનમાં માંગ્યું દાન
- અમે આ મામલાની પૂરી તપાસ કરી રહ્યા છીએ – ટ્વિટરના પ્રવક્તા
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ તેમની પર્સનલ વેબસાઇટ narendramodi.in સાથે લિંક હતું. હેકરે કોરોના વાયરસ રીલીફ ફંડ માટે દાનમાં બિટકોઇનની માંગ કરી હતી. જો કે, આ ટ્વિટને તરત જ કાઢી નાખવામાં આવી હતી. વડાપ્રધાન મોદીની પર્સનલ વેબસાઇટના ટ્વિટર એકાઉન્ટ પર હેકરે લખ્યું કે, ‘હું તમને બધાને અપીલ કરું છું કે કોવિડ-19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં દાન કરો.
હેકરે એક અન્ય ટ્વિટમાં લખ્યું કે, ‘ આ એકાઉન્ટ જોન વિક (hckindia@tutanota.com)એ હેક કર્યું છે. અમે પેટીએમ મૉલ હેક કર્યું નથી.’
વડાપ્રધાન મોદીની પર્સનલ વેબસાઇટના ટ્વિટર એકાઉન્ટ પર 25 લાખથી વધુ ફોલોઅર્સ છે. ગુરુવારે વડાપ્રધાન મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાની ગુરુવારે ટ્વિટરે પુષ્ટિ કરતા કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું એકાઉન્ટ ઘણા ટ્વિટસ સાથે હેક કરી દેવામાં આવ્યું.
સમગ્ર મામલે ટ્વિટરે વધુ તપાસ હાથ ઘરી
આ બાબતે ટ્વિટરનું કહેવું છે કે તે વડાપ્રધાન મોદીની વેબસાઇટના એકાઉન્ટની ગતિવિધિની જાણકારી છે અને તેને સુરક્ષિત કરવા પગલા લીધા છે. ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું કે અમે આ મામલાની પૂરી તપાસ કરી રહ્યા છીએ. જોકે, હજુ સુધી એ જાણકારી નથી મળી કે આ એકાઉન્ટ ઉપરાંત અન્ય કોઈ એકાઉન્ટ ઉપર પણ ફરક પડ્યો છે કે નહીં.
પેટીએમ મોલની ડેટા ચોરીમાં આવ્યું હતું જોન વિકનું નામ
પેટીએમ મોલ ડેટા ચોરીમાં પણ જોન વિક ગ્રૂપનું નામ સામે આવ્યું હતું. સાયબર સિક્યુરિટી ફર્મ સાયબલે 30 ઓગસ્ટે દાવો કર્યો હતો કે જોન વિક ગ્રૂપે પેટીએમ મોલનો ડેટા ચોરી લીધો હતો. ફર્મએ દાવો કર્યો હતો કે હેકર જૂથે ખંડણી માંગી હતી. જોકે, પેટીએમએ ઘરફોડ ચોરી કર્યા હોવાના દાવાને નકારી કાઢ્યો હતો.
શું છે બિટકોઈન ?
બિટકોઈન એક પ્રકારની વર્ચ્યુલ કરન્સી છે. તેને બીજી કરન્સીની જેમકે ડૉલર, રૂપિયો કે પાઉન્ડની જેમ જ ઉપયોગમાં લઈ શકાય છે. તેની લેણદેણ માત્ર ઓનલાઈન હોય છે. તેને અન્ય કરન્સીમાં પણ બદલી શકાય છે. આ કરન્સી બિટકૉઇનના રૂપમાં વર્ષ 2009માં ચલણમાં આવી હતી. અત્યારે એક બિટકોઈનનો રેટ 8,36,722 રૂપિયા છે.
અનેક જાણીતી વ્યક્તિઓના ટ્વિટર એકાઉન્ટ થયા હતા હેક
થોડા દિવસો પહેલા જ ટ્વિટરને સૌથી મોટો હેકર્સ હુમલો થયો હતો, જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ટેસ્લાના સીઇઓ એલન મસ્ક, અમેઝનના સીઇઓ જેફ બેઝોસ સહિત અનેક મોટી હસ્તીઓનાં ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતાં. આ સમય દરમિયાન હેકરોએ બિટકોઈન દ્વારા પૈસાની માંગ કરી હતી.
_Devanshi