- ઉદ્ધવ ઠાકરેએ પોતાના પુત્ર આદિત્યની દાવેદારી પર આપ્યું નિવેદન
- જરૂરી નથી આદિત્ય ઠાકરેને તાત્કાલિક સીએમ કે ડેપ્યુટી સીએમ બનાવાય
- મુંબઈની વર્લી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે આદિત્ય ઠાકરે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન કોંગ્રેસ-એનસીપીના જોડાણને પડકારી રહ્યું છે. જો કે ભાજપ – શિવસેના સમાન બેઠકો પર ચૂંટણી લડી રહ્યા નથી, પરંતુ શિવસેનાને આશા છે કે 24 ઓક્ટોબરે તેમના ગઠબંધનની સરકાર આવશે અને નિર્ધારીત એજન્ડા હેઠળ સરકારમાં તેને સમાન ભાગીદારી મળશે. સરકારમાં ભાગીદારી પર શિવસેના તરફથી મુખ્યપ્રધાન પદની માગણી પણ ઉઠતી રહ છે. આ દરમિયાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું પુત્ર આદિત્ય ઠાકરેના મુખ્યપ્રધાન અથવા ડેપ્યુટી સીએમ બનવા મામલે નિવેદન સામે આવ્યું છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સામનામાં આપેલા ઈન્ટરવ્યૂમાં ભાજપ સાથે ગઠબંધનને લઈને પોતાના પુત્ર આદિત્ય ઠાકરેના મુખ્યપ્રધાન અથવા ડેપ્યુટી સીએમ પદની દાવેદારીને લઈને પણ જવાબ આપ્યો છે. ઠાકરે પરિવારમાંથી પહેલીવાર ચૂંટણી લડવાનો ઈતિહાસ બનાવવા જઈ રહેલા આદિત્ય ઠાકરે પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે તેમના ચૂંટણીમાં ઉતરવાનો મતલબ એ નથી કે તેમને તાત્કાલિક સીએમ અથવા ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.
ઠાકરેના આ નિવેદનથી પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉત તરફથી એવું નિવેદન આવતું રહ્યું છે કે જેમા તે સીધેસીધા શિવસેના માટે મુખ્યપ્રધાન પદની માગણી કરતા દેખાઈ રહ્યા છે અને આદિત્યની નેતૃત્વ ક્ષમતાને સામે રાખતા રહે છે. તાજેતરમાં સંજય રાઉતે કહ્યુ હતુ કે જો આદિત્ય ઠાકરે યુવાવર્ગનું નેતૃત્વ કરી શકે છે, તો તે સરકારની પણ આગેવાની કરી શકે છે. એટલું જ નહીં, સંજય રાઉત આ વાતને લઈને પણ અડગ દેખાઈ રહ્યા છેકે ઠાકરે પરિવારના સદસ્ય સરકારમાં સામેલ થાય છે, તો તેમના માટે ડેપ્યુટી સીએમ નહીં, પણ સીએમ પદ હશે.
સંજય રાઉત ભલે ગઠબંધન સરકારમાં મુખ્યપ્રધાન પદનો સવાલ ઉઠાવતા રહેતા હોય, પરંતુ ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે આદિત્ય વિધાનસભાનો અનુભવ લેવા ચાહે છે, તેમની આમા ઘણી રુચિ છે. આદિત્ય માટે શિવસેનામાંથી ઉઠનારા અવાજથી વિપરીત ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યુ છે કે ચૂંટણી લડવાનો મતલબ એ નથી કે તે તાત્કાલિક મુખ્યપ્રધાન અથવા નાયબ મુખ્યપ્રધાન બની જશે. જો કે તેમણે એ પણ કહ્યુ છે કે જ્યાં સુધી તે શિવસેનાના મુખ્યપ્રધાન બનાવવાના પોતાના પિતા (બાલાસાહેબ ઠાકરે)એ આપેલા વાયદાને પૂર્ણ નહીં કરે ત્યાં સુધી તેઓ શાંત બેસશે નહીં.
ઉદ્ધવ ઠાકરેએ પોતાના તાજેતરના નિવેદનથી પુત્રની દાવેદારી પર ચાલી રહેલી ચર્ચાને જરૂરથી નવો વળાંક આપ્યો છે.