1. Home
  2. Political
  3. 100-200 ગ્રામના પરમાણુ બોમ્બની પાડોશીની “શેખી”નું રહસ્ય, દ. એશિયામાં પાકિસ્તાન અભણતામાં બીજા ક્રમાંકે
100-200 ગ્રામના પરમાણુ બોમ્બની પાડોશીની “શેખી”નું રહસ્ય, દ. એશિયામાં પાકિસ્તાન અભણતામાં બીજા ક્રમાંકે

100-200 ગ્રામના પરમાણુ બોમ્બની પાડોશીની “શેખી”નું રહસ્ય, દ. એશિયામાં પાકિસ્તાન અભણતામાં બીજા ક્રમાંકે

0
Social Share
  • આનંદ શુક્લ

દક્ષિણ એશિયાનો સરેરાશ સાક્ષરતા દર 67 ટકા

પાકિસ્તાનનો સરેરાશ સાક્ષરતા દર 57થી 60 ટકા વચ્ચે થાય છે વધ-ઘટ

બાંગ્લાદેશ, ઈરાનનો સાક્ષરતા દર પણ પાકિસ્તાનથી વધારે

કાશ્મીર લેવાની લાળ ટપકાવતું પાકિસ્તાન મૂળભૂત રીતે દક્ષિણ એશિયામાં બીજા ક્રમાંકે સૌથી અભણ દેશ છે. પાકિસ્તાનની અભણતાની ચર્ચા એટલા માટે જરૂરી બની છે, કારણ કે દુનિયામાં સૌથી નાનું પરમાણુ હથિયાર અમેરિકા પાસે છે અને તેનું વજન એક મણ એટલે કે 20 કિલોગ્રામથી વધારે છે. પરંતુ પાકિસ્તાનના પ્રધાન શેખ રાશીદે બકવાસ કર્યો છે કે તેના દેશની પાસે 100 ગ્રામ, 250 ગ્રામના વજનના કથિત ટેક્ટિકલ ન્યૂક્લિયર બોમ્બ છે. ઈસ્લામિક કટ્ટરવાદની જેલમાં બંધ પાકિસ્તાનના બંધ મગજ પ્રધાનની વાત સાંભળીને આશ્ચર્ય થાય છે.

પરંતુ તેની સાથે વિચાર એ પણ માંગી લે કે છાશવારે ઈસ્લામ અને મુસ્લિમોના હિતોની વાત કરનારા પાકિસ્તાનના હુકમરાનોએ પોતાના દેશના મુસ્લિમોનું 73 વર્ષમાં શું હિત જોયુ છે? પાકિસ્તાન કદાચ દુનિયાનો એવો આગવો દેશ છે કે જ્યાં સાક્ષરતા દરની સરેરાશ ગત એક દશકમાં 57 ટકાથી 60 ટકા વચ્ચે ઉપર-નીચે થતી રહી છે. જો કે દક્ષિણ એશિયામાં સરેરાશ સાક્ષરતા દર 67 ટકા છે. આમ જોવો તો પાકિસ્તાન દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાન બાદ બીજા ક્રમાંકે સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતો દેશ છે અને તેના માટે ઈમરાન ખાન, પાકિસ્તાની જનરલ કમર જાવેદ બાજવા અને આતંક એક્સપોર્ટ કરવાની ફેક્ટરીઓ ધરાવતી આઈએસઆઈ માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે. જો પુખ્તવયના લોકો વચ્ચે સાક્ષરતા દરની વાત કરીએ, તો પાકિસ્તાન પુખ્તવયના લોકોના સાક્ષરતા દરના મામલે 188 દેશોમાં 150મા ક્રમાંકે છે.

પાકિસ્તાનમાં ઈસ્લામિક કટ્ટરવાદની હકીકત એ છે કે મહિલાઓ અને પુરુષોના સાક્ષરતા દરમાં 23 ટકા જેવો મોટો તફાવત છે. પાકિસ્તાનમાં પુરુષોનો સાક્ષરતા દર 68 ટકા અને મહિલાઓમાં સાક્ષરતા દર 45 ટકા છે. પાકિસ્તાનમાં શહેરી વિસ્તારમાં 74 ટકા અને ગ્રામ્ય ક્ષેત્રમાં 46 ટકા સાક્ષરતા દર છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન દક્ષિણ એશિયામાં એવા બે દેશો છે કે જ્યાં યુવાવર્ગમાં કુલ સાક્ષરતાદરમાં નજીકના ભવિષ્યમાં સુધારો થવાની કોઈ શક્યતા નથી.

પાકિસ્તાનની સરકારને ભારત-અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ-ઈરાનમાં આતંકવાદ ફેલાવવામાં રસ છે, કાશ્મીરના મુસ્લિમો પર કથિત અત્યાચારની વાત ઉમ્માહના નામે મુસ્લિમ દેશોના સંગઠનમાં અને યુએનમાં ઉઠાવવામાં રસ છે. પરંતુ પાકિસ્તાનની સરકાર અને સેનાને પોતાની આતંકવાદની ફેક્ટરી ચાલુ રાખવા માટે દેશમાં સાક્ષરતા દરને વધારવામાં કોઈ રસ નથી, કારણ કે સાક્ષરતા દરના વધવાની સાથે તેમની આતંકી ફેક્ટરીના મુલાજીમ તરીકે આવતા કથિત મુજાહિદ્દીન એટલે કે આતંકવાદીઓ મળવાના બંધ થઈ જશે.

પાકિસ્તાનમાં 1947થી 2005 સુધીમાં 15 મોટા સાક્ષરતા પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હતા. પરંતુ આમાના મોટાભાગના સાક્ષરતા પ્રોગ્રામને સમય પહેલા તેના લક્ષ્યાંકની નજીક પહોંચ્યા વગર બંધ કરવામાં આવ્યા હતા. 2009થી 2014 દરમિયાન પાકિસ્તાનમાં શિક્ષણ પાછળના કુલ ખર્ચમાં એડલ્ટ લિટરસી એજ્યુકેશન પાછળ 0થી 0.4 ટકા જેટલી રકમ ખર્ચાઈ છે. આ જ દર્શાવે છે કે પાકિસ્તાનના યુવાવર્ગ સાથે પાકિસ્તાનની સરકાર અને સેના કેવો ખેલ ખેલી રહી છે અને ધર્મઝનૂનું ઝેર પિવડાવીને કેવી રીતે આતંકના રસ્તાઓ પર ધકેલી રહી છે?

યુનેસ્કો એજ્યુકેશન દ્વારા 2000માં નિર્ધારીત તમામ લક્ષ્યો જેમા 2015માં એડલ્ટ લિટરસી પણ સામેલ છે તેને મેળવવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે. પાકિસ્તાનમાં એડલ્ટ લિટરસી એજ્યુકેશન પરનો ખર્ચ સતત ઘટાડવામાં આવ્યો હતો.

પાકિસ્તાનથી 1971-72માં આઝાદ થનારા બાંગ્લાદેશમાં 2007માં 46 ટકાથી 2017માં સાક્ષરતા દર 73 ટકાએ પહોંચ્યો હતો. બંગાળી સંસ્કૃતિ સાથે જોડાયેલા બાંગ્લાદેશમાં 2000થી મહિલા અને પુરુષો વચ્ચેની અસમાનતામાં પણ ખાસો ઘટાડો થઈ ચુક્યો છે.

ભારતમાં (15 વર્ષથી ઉપરના લોકો) એડલ્ટ લિટરસી રેટમાં 2001માં 61 ટકાથી 2011માં 69 ટકા સુધી પહોંચવામાં સફળતા મળી છે. ભારતમાં 2011માં એડલ્ટ લિટરસી રેટમાં પુરુષોમાં 82 ટકા અને મહિલાઓમાં 65 ટકા સાક્ષરતા દર હતો. જો કે 2019 સુધીમાં આ આંકડામાં ખાસો સુધારો જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી શિક્ષણ અને સાક્ષરતાની વાત છે, પાકિસ્તાન ભારત કરતા ઘણું-ઘણું પાછળ છે.

ઈરાનમાં સાક્ષરતા દરમાં 1966થી 2006 વચ્ચે ક્રાંતિકારી પરિવર્તન જોવા મળ્યા છે. 1979ની ઈરાની ક્રાંતિ અને ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના ફાઉન્ડર આયાતુલ્લાહ રુહોલ્લા ખોમૈનીએ ઈરાની નાગરીકોને નિરક્ષરતા સામે નિર્ણાયક ઢબે દૂર કરવા માટેની હાકલ કરી હતી.

ખોમૈનીના આદેશથી લિટરસી મૂવમેન્ટ ઓર્ગેનાઈઝેશન (એલએમઓ)ની સ્થાપના કરીને સાક્ષરતા અભિયાનમાં ઈરાને સફળતા મેળવી. એલએમઓને 2018માં સાક્ષરતા માટેનું યુનેસ્કો કોન્ફ્યુસિસ પ્રાઈઝ મળ્યું હતું. ઈરાનમાં એલએમઓ દ્વારા કમ્યુનિટી લર્નિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી અને તેના કારણે સાક્ષરતા દરને ઉચ્ચસ્તરે લઈ જવામાં સફળતા મળી હતી.

પાકિસ્તાન હિંદુ બહુલ ભારત પાસેથી કંઈ શીખે નહીં, તો કંઈ નહીં. પણ ઈસ્લામિક દેશ ઈરાન અને બાંગ્લાદેશની પાસેથી શીખે અને પોતાના દેશના લોકોને આતંકની આગમાં બાળવા કરતા આજુબાજુમાં હિંસાચાર ફેલાવવા કરતા તેમને સાક્ષર બનાવે અને કટ્ટરતાવાદમાંથી બહાર લાવે.

ગત જાન્યુઆરીમાં શિક્ષણ પ્રધાન શફકત મેહમૂદે પાકિસ્તાનમાં દેશવ્યાપી સાક્ષરતા અભિયાનની જાહેરાત કરીને ચાર વર્ષમાં સાક્ષરતા દરને 12 ટકા વધારવાની વાત કહી હતી. પરંતુ પાકિસ્તાનની હકીકત એ છે કે આતંકવાદ અને આતંકવાદીઓના પ્રમાણ અને સંખ્યામાં જ વધારો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને પાકિસ્તાની સેનાના અધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાની “આતંકી બુદ્ધિ”માં આવી અક્કલ ક્યારે આવશે તે પણ એક સવાલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code