બિહારમાં મતદાન દરમિયાન મૃત્યુના 2 કિસ્સા: એક મતદાતાનું હૃદય બંધ પડતા થયું મોત તો એક મતદાનકર્મીને અચાનક વાગી ગઈ ગોળી
બિહારમાં પૂર્વી ચંપારણ સંસદીય વિસ્તારમાં રવિવારે ચાલી રહેલા મતદાન દરમિયાન મોતિહારી વિધાનસભા ક્ષેત્રના બૂથ નંબર 260 પર એક મતદાતાનું હૃદય અટકી જવાથી મોત થઈ ગયું.
જિલ્લા અધિકારી રમણકુમારે જણાવ્યું કે જિલ્લાના પિપરાકોઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ગજપુરા ગામમાં રહેતા 55 વર્ષીય વિશ્વનાથ સાહ મતદાન કર્યા પછી જેવા બહાર નીકળ્યા ત્યારે જ હૃદય થંભી જવાથી તેમનું મોત થઈ ગયું. કુમારે જણાવ્યું કે પરિવારજનોના આગ્રહ પર તેમને શબ સોંપી દેવામાં આવ્યું છે.
આ ઉપરાંત બિહારના શિવહર સંસદીય વિસ્તારમાં રવિવારે મતદાન દરમિયાન બૂથ નંબર 275 પર ગોળી વાગવાથી એક મતદાનકર્મીનું મોત થઈ ગયું. પોલીસ સૂત્રોએ શિવહરમાં જણાવ્યું કે બૂથ નંબર 275 પર તહેનાત હોમગાર્ડનો જવાન સરયુગ દાસ પોતાની રાઇફલનું બટ ઠીક કરી રહ્યો હતો ત્યારે જ અચાનક ગોળી ચાલી ગઈ.
આ દુર્ઘટનામાં મતદાનકર્મી શિવેન્દ્ર કિશોર ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ઘાયલ મતદાનકર્મીને તાત્કાલિક શિવહરની મુખ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં પ્રાથમિક સારવાર પછી તેને મુઝફ્ફપુરના શ્રીકૃષ્ણ મેડિલક કોલેજની હોસ્પિટલ મોકલવામાં આવ્યો. ઇલાજ દરમિયાન તેનું મોત થઈ ગયું. મૃતક મતદાનકર્મી સીતામઢી જિલ્લાના બાજપટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારના ભાસેપુર રતવારા ગામનો રહેવાસી હતો.