પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ફોટાનું મીમ બનાવીને તેને શેર કરનારી પ્રિયંકા શર્માને સુપ્રીમ કોર્ટે જામીન પર છોડી મૂકવાના આદેશ આપ્યા છે. જોકે કોર્ટે પહેલા કહ્યું હતું કે પ્રિયંકાએ લેખિતમાં માફીનામું આપવું પડશે, પરંતુ ત્યારબાદ પોતાના આદેશમાં ફેરફાર કરીને તાત્કાલિક છોડી મૂકવાનો આદેશ આપ્યો. ભાજપની યુવા નેતા પ્રિયંકા શર્માને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.
પ્રિયંકાના વકીલે સશરત જામીનનો વિરોધ કર્યો. તેમનું કહેવું હતું કે તેનાથી અભિવ્યક્તિની સ્વતંત્રતાનું હનન થાય છે. તેમણે ભાજપ નેતાઓના પણ મજાક ઉડાવતા પોસ્ટ બને છે એ વાતનો હવાલો આપ્યો હતો. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું- અભિવ્યક્તિની સ્વતંત્રતા ત્યાં સુધી જ છે જ્યાં સુધી તેનાથી કોઇને કંઇ પરેશાની ન હોય. આરોપી કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તે રાજકીય કાર્યકર્તા છે. ત્યારબાદ કોર્ટે પોતાના નિર્ણયમાં ફેરફાર કરીને માફી માંગવાની શરત હટાવી દીધી.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકાએ મમતાની ફોટોશોપ્ડ તસવીર શેર કરી હતી. તેમાં પ્રિયંકા ચોપરાના મેટ ગાલા વાળા લુકમાં મમતા બેનર્જીને દર્શાવવામાં આવ્યા હતા. આ તસવીરને લઇને તૃણમૂલ કાર્યકર્તાઓએ અને નેતાઓ તરફથી સખ્ત પ્રતિક્રિયા આવી હતી. શર્માની ધરપકડ કરીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. તેમને 10 મેના રોજ જેલ મોકલવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર પ્રિયંકાના સમર્થનમાં #Isupportpriyankasharma કેન્પેઇન ચાલી રહ્યું છે. યુઝર મમતાના મીમને પોતાનું ડીપી બનાવી રહ્યા છે. આસામના ભાજપ નેતા હેમંત બિસ્વ શર્માએ ભાજપના નેતાની ધરપકડને અભિવ્યક્તિની આઝાદીનું હનન ગણાવ્યું છે.