હિંમતનગરઃ બનાસકાંઠામાં પોલીસ કર્મચારીઓને રિવોલ્વર બતાવીને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા સાગરિતને છોડાવી જવાની ઘટના ભુલાઈ નથી ત્યાં સાબરકાંઠામાં બુટલેગરે પોતાના વાહન નીચે PSIને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસ કર્મચારીએ દારૂ ભરેલા વાહનને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે બુટલેગરે વાહનથી બુટલેગરને અડફેટે લીધા હતા ગંભીર રીતે ઘવાયેલા પોલીસ અધિકારીને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ગુનેગારનો પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે. અમાસાજીક તત્વો હવે પોલીસને પણ નિશાન બનાવતા અચકાતા નથી. શનિવારે જ બનાસકાંઠામાં પોલીસને રિવોલ્વર બતાવીને મોટરકારમાં આવેલા બે શખ્સો પોતાના સાગરિતને છોડાવી ગયા હતા. ત્યારે હવે સાબરકાંઠામાં પોલીસ કર્મચારી ઉપર વાહન ચવાડીને તેમને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
સાબરકાંઠાના વિજયનગર પોલીસ સ્ટેશનના PSI વાય.વાય.ચૌહાણ રાણી બોર્ડ નજીક તપાસમાં હતા. ત્યારે એક બુટલેગર દારૂ ભરેલી કાર લઈ આવ્યો હતો. જેથી PSI ચૌહાણે વાહનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બુટલેગરે વાહન અટકાવવાના બદલે PSI ચૌહાણને અડફેટે લીધા હતા. આમ PSI ઉપર વાહન ચડાવીને તેમનો હત્યાનો પ્રયાસ કરીને બુટલેગર ફરાર થઈ ગયો હતો.
આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલી PSIને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને ફરાર બુટલેગરને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી.