AAPની ગૌતમ ગંભીરને નોટિસ, કહ્યું- વાંધાજનક પરચાઓ વહેંચવા મામલે લેખિતમાં માફી માંગી 24 કલાકમાં છાપામાં પ્રકાશિત કરાવો
આમ આદમી પાર્ટીએ આપત્તિજનક પરચાઓ વહેંચવાના વિવાદમાં પૂર્વ દિલ્હી સીટ પરથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને લીગલ નોટિસ મોકલી છે. ઉપરાંત પાર્ટીએ ગંભીરને તાત્કાલિક લેખિતમાં માફી માંગવા અને તેને યોગ્ય તથ્યો સાથે 24 કલાકની અંદર છાપામાં પ્રકાશિત કરવા માટે કહ્યું. આપનો આરોપ છે કે ગંભીરે છાપાંઓની સાથે પોતાના વિરોધી ઉમેદવાર આતિશી વિરુદ્ધ આપત્તિજનક પરચાઓ વહેંચાવ્યા હતા. નોટિસ પ્રમાણે, જો ગૌતમ ગંભીરે આતિશી મર્લેનાની માફી ન માંગી તો તેમના વિરુદ્ધ ક્રિમિનલ અને સિવિલ માનહાનિનો કેસ નોંધવામાં આવશે. ગંભીરે શુક્રવારે ટ્વિટ કર્યું, “જો કેજરીવાલ એવું સાબિત કરી દે કે આ પરચાઓ સાથે હું સંકળાયેલો છું, તો હું જનતા સામે ફાંસો ખાઈ લઇશ. જો આવું ન થાય, તો કેજરીવાલ રાજનીતિ છોડી દે. મંજૂર છે?”
ગૌતમ ગંભીરે આરોપોને રદ કરીને આપ નેતાઓ (કેજરીવાલ, સિસોદિયા અને આતિશી)ને નોટિસ મોકલી. તેમાં કહેવામાં આવ્યું છે કે મારા ક્લાયન્ટ (ગંભીર) પાસે કોઇપણ શરત વગર માફી માંગવી જોઈએ. ખોટા આરોપ લગાવીને તેમની ઇમેજને ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જો માફી ન માંગવામાં આવી તો સિવિલ અને ક્રિમિનલ બંનેમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ગંભીરે કહ્યું, “જે પણ થયું, હું તેની ટીકા કરું છું. હું તે પરિવારમાંથી આવું છું જ્યાં મને મહિલાઓનું સન્માન જાળવવાનું શીખવાડવામાં આવ્યું છે. મને ખબર નહોતી કે અરવિંદ કેજરીવાલ આટલા નીચેના સ્તરે જઇ શકે છે. એટલે મેં માનહાનિનો કેસ કર્યો છે. અમે આ હદ સુધી ક્યારેય નીચે ન ઉતરી શકીએ, જ્યાં સુધી આપના નેતાઓ જઈ રહ્યા છે.”