પુંસરીઃ હિન્દુ ધર્મમાં અવસાન બાદ જે તે વ્યક્તિઓની અસ્થિઓનું ગંગાજીમાં વિસર્જન કરવામાં આવે તો તેને મોક્ષની પ્રાપ્તિ થતી હોવાનું મનાય છે. જેથી મૃતકના સ્વજનો તેમના સ્નેહીજનની અસ્થિઓનું ગંગાજીમાં વિસર્જન કરવા યોગ્ય માને છે. જો કે, તમામ લોકો અસ્થિઓના વિસર્જન માટે હરિદ્વાર જઈ શકતા નથી. ત્યારે પુંસરીના એક સેવાભાવી છેલ્લા 10 વર્ષથી મૃતકોની અસ્થિઓ એકત્ર કરીને હરિદ્વારમાં ગંગાજીમાં વિસર્જીત કરવાની અનોખી સેવા કરી રહ્યાં છે.
પુંસરી જિલ્લા પંચાયતના માજી સભ્ય નરેન્દ્ર પટેલ છેલ્લા 10 વર્ષથી અસ્થિ બેંક ચલાવે છે. તેમજ તેઓ દર વર્ષે હરિદ્વાર જાય છે અને બેંકમાં આવેલી અસ્થિઓનું ગંગાજીમાં વિસર્જન કરે છે. તેમજ મૃતકના પરિવારજનો પાસે ફરજીયાત બે વૃક્ષનો ઉછેર કરાવીને પર્યાવરણ જાળવણીનું પણ કામ કરે છે. નરેન્દ્ર પટેલ તથા તેમની સાથે આ સેવાયજ્ઞમાં જોડાયેલા રાણાજી વણજારા,ભાનુભાઈ દેસાઈ,રાજુ પરમાર,અમૃતભાઈ બારોટ,સચિન બારોટ,દીપક પટેલ દ્વારા તાજેતરમાં જ અસ્થિ બેંક ખોલવામાં આવી હતી. જેમાંથી 200 જેટલી અસ્થિઓ મળી આવી હતી. આ અસ્થિઓનું તા. 18મી મેના રોજ હરિદ્વારમાં ગંગાજીમાં ધાર્મિક વિધી સાથે વિસર્જન કરવામાં આવશે. નરેન્દ્રભાઈ દર વર્ષે અસ્થિઓ લઈને પોતાના જન્મ દિવસ પર હરિદ્વાર જાય છે, પરંતુ આ વર્ષે સામાજીક કામ હોવાથી તેઓ વહેલા હરિદ્વાર જશે અને અસ્થિ બેંકમાં આવેલી અસ્થિઓનું વિસર્જન કરશે.