કાલે મંગળવારે અખાત્રીજના દિને અનેક લગ્નો યોજાશેઃ ગામેગામ પરશુરામ જ્યંતિની ઊજવણી કરાશે
અમદાવાદ: ગુજરાતમાં આવતીકાલે તા.7મીને મંગળવારે અખાત્રીજનો દિને અનેક લગ્નો યોજાશે. શાસ્ત્રોમાં અખાત્રીજનો દિન એટલે વણજોયુ મુહુર્ત ગણવામાં આવે છે. આ દિવસે ગુજરાતભરમાં અનેક માંગલીક અને શુભકાર્યો કરવામાં આવશે. અખાત્રીજ એટલે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ હોવાથી તમામ શહેરોમાં બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
ગુજરાતમાં આવતીકાલે તા.7મીને મંગળવારે અખાત્રીજના દિને સોના-ચાંદીની ખરીદી પણ ઘૂમ થશે. સોના-ચાંદી અને મકાનો ખરીદવા માટે અખાત્રીજના દિનને વણજોઈતું મુહૂર્ત માનવામાં આવે છે. અખાત્રીજ નિમિતે કાલે મંગળવારે સમુહ લગ્નોત્સવ, પારિવારિક લગ્નો, નવી વ્યાપારિક પેઢીઓનું ઉદ્દઘાટન સહિત અનેક કાર્યક્રમો વણજોયા મુહુર્તમાં યોજાશે. કાલે તા.૭ને મંગળવારે ભગવાન પરશુરામની જન્મ જયંતિ હોય સાંજના ૪:૩૦ વાગ્યે ઉપલેટાના ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતે શાસ્ત્રોકત વિધીથી શસ્ત્ર પૂજન પરશુરામ દાદાનું પૂજન અને ત્યારબાદ શહેર અને તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના ભાઇ બહેનો આગેવાનો યુવાનોની વિશાળ હાજર સાથે એક ભવ્ય શોભાયાત્રા નિકળશે. જે શહેરના મુખ્ય મુખ્ય માર્ગો ઉપર ફરી બ્રહ્મ સમાજ ભવન ખાતે પહોંચશે. જયાં પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે તો દરેક બ્રહ્મ પરિવારોએ સહપરિવાર શોભાયાત્રામાં જોડાવા એક યાદીમાં જણાવેલ છે આ શોભાયાત્રામાં અન્ય સમાજના પ્રમુખો રાજકીય સામાજિક સેવાકીય શૈક્ષણીક આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવનીત પંડ્યા, ચંદુભાઇ, મુકેશભાઇ પંડ્યા, જયેશભાઇ ત્રિવેદી, દિલીપભાઇ જોશી, કમલેશ વ્યાસ, હેમતભાઇ વ્યાસ, નિખલી જોશી, નિશીથ વ્યાસ સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, સહિત શહેરો અને તાલુકાઓમાં પણ પરશુરામ જ્યંતિની ઉજવણી કરવામાં આવશે. ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી તારીખ ૭ ૫ ૨૦૧૯ ને મંગળવારના રોજ ભુદેવ ના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જી ની જયંતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પરશુરામ જ્યંતિનું આયોજન કરવામાં આવ્યું છે.