ભુજઃ ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દરમિયાન રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેમજ અનેક વિસ્તરોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી.
કચ્છના ભુજ સહિતના વિસ્તારમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. દરમિયાન બપોરના સમયે કોટેશ્વર અને નારાયણ સરોવર સહિતના વિસ્તારમાં ભારે પવન ફુંકાયો હતો. જેથી ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ લોકોએ કાળઝાળ ગરમીમાં આંશીક રાહત મેળવી હતી. આ ઉપરાંત કચ્છના કેટલાક વિસ્તારમાં માવઠુ પડવાની પણ શકયતાઓ વ્યક્ત થઈ રહી છે જેના પરિણામે જગતનો તાત ચિંતિત બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે આગામી 72 કલાકમાં ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકેવી તેવી શકયતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં કમોકમી વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પડવાની શકયતા છે.