અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર ઓબીસી નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી અને રાજ્યના મંત્રી પ્રદીપસિંહ સાથેનો ફોટો વાયરલ થયા બાદ અલ્પેશ ઠાકોરનો ભાજપના પૂર્વ મંત્રી શંકર ચૌધરી સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અલ્પેશ ઠાકોરને લઈને ફરીથી રાજકારણ ગરમાયું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણી પહેલા જ ઓબીસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાટ્યો હતો. તેમજ કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ કરીને લોકસભાની ચૂંટણીમાં પાર્ટી વિરોધમાં કામગીરી કરી હતી. જેથી નારાજ કોંગ્રેસે તાજેતરમાં વિધાનસભાના અધ્યક્ષને મળીને અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ પરથી સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. દરમિયાન અલ્પેશ ઠાકોરનો જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ સાથે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેઓ આગામી દિવોસમાં ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ હતી. જો કે, અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાનો ઈન્કાર કરીને ભાજપમાં નહીં જોડાવાના હોવાનું જણાવ્યું હતું. આ ફોટો અલ્પેશના નવા ઘરના વાસ્તુનો હતો. જેમાં ભાજપના બન્ને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમજ ભાજપના આ બન્ને નેતાઓ સાથે પોતાના સારા સંબંધ હોવાનું અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું. ત્યારે ફરી એક વાર અલ્પેશ ઠાકોર અને ભાજપના નેતા શંકર ચૌધરીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ફોટો કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના લગ્નનો હોવાનું ચર્ચાય રહ્યું છે. અલ્પેશ ઠાકોર વધુ એક વખત ભાજપના નેતા સાથે દેખાતા ફરીથી તેઓ ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.