અમદાવાદઃ ગુજરાતમાં મુસ્લિમ દીકરીએ સંસ્કૃત વિષય ઉપર Ph.D. કરી છે. ગુજરાત યુનિવર્સિટીએ સલમા કુરેશી નામની વિદ્યાર્થિનીને Ph.D.ની પદવી એનાયત કરી. યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાંથી વિદ્યાર્થિનીએ पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम् વિષય ઉપર Ph.D. સંપન્ન કર્યું. સલમા કુરેશીએ સંસ્કૃત વિષયમાં Ph.D કરીને મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું. તેમજ આ વિદ્યાર્થિનીએ યુવા પેઢીને સંસ્કૃતમાં રૂચિ વધે તે દિશામાં નવી રાહ ચિંધી છે.
અમરેલીના ઈગોરાળા ગામમાં સામાન્ય પરિવારમાં જન્મેલી સલમા કેશુભાઈ કુરેશીએ વિજ્ઞાનભાષા સંસ્કૃતમાં અધ્યયન કરવાનું પસંદ કર્યું હતું. તેમજ ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાંથી Ph.D કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં જ પદ્મભૂષણ ડૉ. કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં તૈયાર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 22 વખત સંસ્કૃતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રાષ્ટ્રીય નીતિના ડ્રાફ્ટમાં ભારતીય પ્રાચીન શિક્ષણને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ જ ક્ષેત્રમાં કુરેશી સલમાએ પુરાણોને આધાર બનાવીને શિક્ષણના મૂળ સિદ્ધાંતો અને મૂલ્યોને શોધીને તેનું વર્તમાન સમયમાં અનુશીલન કર્યું છે. તેમજ જો આ સમયમાં પુરાણોમાં નિરૂપિત શિક્ષણ પદ્ધતિ લાગું કરવામાં આવે તો ભારતમાં કેવાં કેવાં પરિવર્તનો આવી શકે છે તેના તારણો પ્રકાશિત કર્યા છે. આ સંશોધન ગુજરાતના જ નહીં પણ દેશના શિક્ષણવિદો, શિક્ષકો, આચાર્યો અને શાળા સંચાલકોને સહાયરૂપ સાબિત થશે.