Site icon Revoi.in

ભારત-ચીન સીમા વિવાદ: ભારતીય સેનાએ ચીનના જાસૂસી ઉપકરણો ઉખાડી ફેંક્યા

Social Share

દિલ્હીઃ સીમા વિવાદ વચ્ચે ભારતીય સેના ઉપર ચીનની સેનાએ કરેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે સૈન્ય તણાવ વધ્યો છે. દરમિયાન પૂર્વીય લદ્દાખના ચુશુલમાં ભારત અને ચીનની સેના સામ-સામે હોવાથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ તણાવપૂર્વક છે. ચીન સેના ભારતીય સેનાના ફાયરિંગ રેન્જમાં હોવાનું જાણવા મળે છે. દક્ષિણ પેંગોગ શો વિસ્તારમાં ભારતીય સેનાએ વધુ જવાનોને તૈનાત કરી લીધા છે. તેમજ ભારતીય સેનાએ અહીં ચીની સૈન્યએ લગાવેલા જાસૂસી ઉપકરણો ઉખાડીને ફેંકી દીધા હોવાનું જાણવા મળે છે. તેમજ બ્લેક ટોપ ખાતે ભારતીય સેનાના નિશાના ઉપર ચીન સેના છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને પગલે બંને દેશો વચ્ચે વાત-ચીતનો દોર ચાલી રહ્યો છે. ત્યારે વિસ્તારવાદી ચીનની સેનાએ તેનો ગેરલાભ ઉઠાવીને ભારતીય સીમામાં આવતા ચુશૂલ સેક્ટરમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અહીં તૈનાત ભારતીય જવાનોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાની બ્લેક ટોપ ખાતે ચીનની સેના સાથે ઝપાઝપી થઈ હતી. અહીં ભારતીય સેનાએ સ્થિતિ વધારે મજબુત કરી નાખી છે.

ચીનની સેનાએ ભારતીય સેનાની હીલચાલ ઉપર નજર રાખવા જાસુસી ઉપકરણો અહીં લગાવ્યાં હતા. ભારતીય સેનાએ તે પણ ઉખાડીને ફેંકી દીધા છે. આ વિસ્તાર ઉપર ફરીથી કબ્જો કર્યાં બાદ હવે ભારતીય સેનાની સ્થિતિ દક્ષિણી પેંગોગ શો ઝીલથી લઈને સ્પેંગુર સુધી મજબુત થઈ ગઈ છે. સીમા ઉપર ત્યારે ભારત અને ચીનની સેના વચ્ચે માત્ર 100 મીટર જેટલું જ અંતર હોવાનું જાણવા મળે છે. ફોરવર્ડ લોકેશન ઉપર તૈનાત બંને દેશના જવાનો હથિયાર સાથે સજ્જ છે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર ચીનની સેનાએ ભારતીય ચોકી નજીક પોઝીશન લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેમને રોકી લેવામાં આવ્યાં હતા. ભારતીય સેનાએ સ્પીકર વડે ચેતવણી આપી હતી. હાલ ભારતીય સેનાએ સ્પાંગુર ગેપ, રેજાંગ લા અને રેચિન લા નજીક ટી-90 ટેંક પણ તૈનાત કરવામાં આવી છે.