અમદાવાદ: ગુજરાતમાં પોલીસની તાકાત વધે અને અસામાજીક તત્વોનો આતંક ઓછો થાય તે માટે રૂપાણી સરકારે પોલીસને ખુલ્લો સહકાર જાહેર કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રજાહિતના કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ, અને આ માટે પોલીસ અધિકારીઓ હિમ્મત પૂર્વક આગળ વધે.
દિવસે ને દિવસે વિકાસની હરણફાળ લગાવતા ગુજરાતને લઈને મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના વિકાસને સોળે કળાએ ખીલવવા અને ઉત્તમથી સર્વોત્તમ રાજ્ય બનાવવાના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થા રહેલા છે. પ્રજાને હંમેશા અનુભવ થાય કે પોલીસ સદાય તેની પડખે છે તેવા ધ્યેયની સાથે અને અસામાજિક પ્રવૃતિઓ સામે સખતાઈથી વર્તન કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં, રાજ્યના મહાનગરોના પોલીસ કમિશનરો, રાજ્યની વિવિધ રેન્જના આઇજી તેમજ તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. વીડિયો કોન્ફરન્સ દરમિયાન કોરોના સંક્રમણ કાળમાં કોરોનાવોરિયર્સ તરીકે રાજ્યના પોલીસ બેડા એ જે કામગીરી પ્રજાના મિત્ર તરીકે કરી અને પ્રજા હિતમાં કરી છે તેની પ્રસંશા કરી હતી. મુખ્યમંત્રીએ લોકડાઉનના પાલન અને હવે અનલોકની સ્થિતિમાં પણ પોલીસ ની કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા.
ભષ્ટાચારને લઈને મુખ્યમંત્રીએ કહ્યું કે ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ વેગવાન બનાવીને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરો કોસ્મિપોલીટીન બનતા જાય છે ત્યારે એ મહાનગરોમાં પણ ક્રાઇમરેટ ના વધે તેની કાળજી લેવા તાકીદ કરી હતી. વિશ્વમાં તથા ભારતમાં જે રીતે શાંત અને સલામત ગુજરાતની પહેચાન છે તેને આગળ વધારવાની પણ વાત કરી છે.
_VINAYAK