Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર અને લેહને ચીનનો ભાગ બતાવવા પર કેન્દ્ર સરકારે ટ્વિટરને આપી ચેતવણી

National

Social Share

નવી દિલ્લી: ભારત સરકારે ટ્વિટરને દેશનો ખોટો નકશો બતાવવાને લઈને કડક ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે, ટ્વિટર દ્વારા દેશની સંપ્રભુતા અને અખંડિતતાને અવગણવાનો દરેક પ્રયાસ અસ્વીકાર્ય છે. તો બીજી તરફ ટ્વિટરે કહ્યું કે, તે સંવેદનાઓને સન્માન આપે છે અને સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.

આઇટી મંત્રાલયના સચિવ અજય સાહનીએ આ અંગે ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેક ડોર્શીને કડક શબ્દોમાં પત્ર લખ્યો છે. સાહનીએ કહ્યું કે, આ પ્રકારના કોઈપણ પ્રયત્નોથી માત્ર ટ્વિટરની પ્રતિષ્ઠા જ નબળી પડે છે, પરંતુ તે માધ્યમ તરીકે ટ્વિટરની નિષ્પક્ષતાને પણ શંકાસ્પદ બનાવે છે.

મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, સાહિનીએ ભારતના ખોટા નકશાને બતાવવા બદલ સરકાર તરફથી નારાજગી વ્યક્ત કરતાં ટ્વિટર સીઈઓને કડક શબ્દમાં પત્ર લખ્યો છે. નોંધનીય છે કે, ટ્વિટરે લેહની ભૌગોલિક સ્થિતિ બતાવતા તેને જમ્મુ-કાશ્મીરને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનો ભાગ બતાવી દીધો હતો.

સાહનીએ તેમના પત્રમાં ટ્વિટરને યાદ અપાવ્યું કે, લેહ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખનું મુખ્યાલય છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર બંને ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગો છે અને ભારતના બંધારણ દ્વારા સંચાલિત છે.

સરકારે ટ્વિટરને ભારતીય નાગરિકોની સંવેદનશીલતાને સન્માન આપવા કહ્યું છે. સરકારે એ પણ સ્પષ્ટ કહ્યું છે કે, ટ્વિટર દ્વારા ભારતની સંપ્રભુતા અને અખંડિતતાનું અસન્માન કરવા ટ્વિટરનો કોઈપણ પ્રયાસ સંપૂર્ણપણે ગેરકાયદેસર અને અસ્વીકાર્ય છે.

આ વિવાદ પર ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું કે, ટ્વિટર ભારત સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે. અમે આમાં સામેલ સંવેદનાઓનું સન્માન કરીએ છીએ અને અમે પત્રનો યોગ્ય સ્વીકાર કર્યો છે.

_Devanshi