Site icon Revoi.in

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મળશે બેઠક, આગળની રણનીતિને લઈને થશે વિસ્તૃત ચર્ચા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે. તેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપની પ્રથમ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં ભાજપ સાશિત નગરપાલિકાના પ્રમુખો-ઉપપ્રમુખોને લઈને ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત બેઠકમાં પાર્ટીની આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલની આ પ્રથમ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના હોદ્દેદારો અને નેતાઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં જે નગરપાલિકામાં અઢી વર્ષ પૂર્ણ થઈ ગયા છે, તેવી નગરપાલિકાના પ્રમુખો-ઉપપ્રમુખોને લઈને ચર્ચા કરાશે. પ્રમુખો-ઉપપ્રમુખોના નામ નક્કી કરવામાં આવી શકે છે. આ બેઠકમાં અન્ય કેટલાક મુદ્દા ઉપર પણ ચર્ચા કરવામાં આવશે.

ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પાર્લામેન્ટ્રી બોર્ડની બે દિવસીય બેઠક પૂર્ણ કર્યા બાદ 19 ઓગસ્ટથી સૌરાષ્ટ્રના પ્રવાસે જવાના છે. સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સી.આર.પાટીલ ભાજપના નેતાઓ અને આગેવાનો સાથે બેઠકનો દોર કરશે.