- આજે શાહનો બંગાળ પ્રવાસનો બીજો દિવસ
- અમિત શાહે કરી કાળી માં ની પૂજા
- કાર્યકર્તા સંવાદમાં ભાગ લેવા માટે કોલકાતા પહોંચ્યા
- થોડી જ વારમાં કાર્યકર્તાઓને કરશે સંબોધિત
કોલકતા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પશ્ચિમ બંગાળની મુલાકાતનો આજે બીજો દિવસ છે. શુક્રવારે સવારે અમિત શાહે દક્ષિણેશ્વર કાળી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. હવે તે કાર્યકર્તા સંવાદમાં ભાગ લેવા માટે કોલકતા પહોંચી ગયા છે. ટૂંક સમયમાં તેઓ કાર્યકર્તાને સંબોધિત કરશે. ત્યારબાદ કોલકાતામાં મતુઆ સમુદાયના પાર્ટી કાર્યકરોના ઘરે ભોજન ગ્રહણ કરશે. મતુઆ સમુદાયના લોકો બાંગ્લાદેશથી શરણાર્થી તરીકે પશ્ચિમ બંગાળ આવ્યા હતા. બંગાળમાં આ સમુદાયની વસ્તી 70 લાખથી વધુ છે.
મંદિરમાં દર્શન કર્યા બાદ અમિત શાહે કહ્યું કે, બંગાળ સ્વામી વિવેકાનંદ, શ્રી અરવિંદ, ભક્તિમાર્ગને સશકત કરનાર, આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરવા માટેની ભૂમિ રહી છે. તે ઠાકુર રામકૃષ્ણની પણ ઘરતી છે. પરંતુ દુર્ભાગ્યથી આ જમીનને તુષ્ટિકરણની રાજનીતિથી કલંકિત કરવામાં આવી રહી છે. મેં માં કાળીને મોદી જીના નેતૃત્વમાં બંગાળની ભલાઈ માટે પ્રાર્થના કરી છે.
આ પહેલા ગુરુવારે શાહ એ ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરીને બંગાળ પ્રવાસની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે બાંકુરામાં આદિવાસી કાર્યકર્તાના ઘરે જમ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે મમતા બેનર્જી સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે રાજ્યમાં બે તૃતીયાંશ મતો સાથે ભાજપ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
_Devanshi