- બિહારના મુખ્યમંત્રીએ સુશાંતને આપી શ્રદ્ધાંજલિ
- સીબીઆઈ તપાસમાં સત્ય સામે આવશે
- સુશાંતના પરિવારને ન્યાય મળશે : નીતીશ કુમાર
પટના: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપતી વખતે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, સુશાંતના પરિવારને ન્યાય મળશે. મને ખાતરી છે કે સીબીઆઈની તપાસમાં સત્ય સામે આવશે, તે કોઈ એક પરિવારની વાત નથી. કરોડો લોકોને તેની સાથે લગાવ હતો. નીતિશ કુમાર સોમવારે તેમની પ્રથમ વર્ચુઅલ રેલીને સંબોધન કરી રહ્યા હતા. પાર્ટીના પોતાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વર્ચુઅલ રેલીને સંબોધતા તેમણે કહ્યું કે સીબીઆઈ તપાસમાં બધું જ સામે આવશે, સુશાંતજીના પરિવારને ન્યાય ચોક્કસ મળશે.
તેમણે કહ્યું કે કોરોનાકાળ દરમિયાન એક-એક વસ્તુ પર કામ કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન લોકોને રોજગારી પૂરી પાડવાનું કામ પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે વિપક્ષના નેતાઓ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે જેમને કશું જ ખબર નથી હોતી તેઓ કંઈપણ બોલે છે, પરંતુ તેઓને જાણ હોવી જોઇએ. તેમણે કહ્યું, અમે કામ કરીએ છીએ, પ્રચાર નથી કરતા.
તેમણે દાવો કર્યો હતો કે લોકોને રોજગારી મળે તે માટે સતત કામ કરવામાં આવી રહ્યા છે. કોરોનાકાળમાં 14 કરોડ 71 લાખથી વધુ માનવ દિવસનું સૃજન કરવામાં આવ્યું છે. તેમણે લોકોને ચેતવણી આપતા કહ્યું કે આજે ભલે કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ આવતીકાલે શું થશે તે કોઈને ખબર નથી. આ કારણોસર લોકોને ભયભીત નહીં, જાગ્રત રહેવાની જરૂર છે.
મુખ્યમંત્રીએ દાવો કરતા કહ્યું કે, આજે એક દિવસમાં 1.50 લાખથી વધુ લોકોની કોરોના તપાસ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આજે આપત્તિ રાહત માટે અનેક કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અગાઉ શું થતું હતું? કંઈ મળતું હતું શું ?
_Devanshi