Site icon Revoi.in

લોકોને માત્ર બે કલાકમાં અમદાવાદથી રાજકોટ પહોંચાડવાની સરકારની તૈયારી

Social Share

ગુજરાતના બે મહત્વના શહેરો અમદાવાદ અને રાજકોટ વચ્ચે પરિવહન ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે જેને મંજૂરી આપી છે તેવા હાઇસ્પીડ રેલવે પ્રોજેકટના સર્વેનું કામ ઝડપથી શરૂ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયે આદેશ કર્યેા છે. આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ 11300 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ રેલવે પ્રોજેકટ શરૂ થતાં અમદાવાદથી રાજકોટ માત્ર બે કલાકમાં પહોંચી શકાશે. એટલું જ નહીં આ પ્રોજેકટને કેન્દ્ર સરકારના અમદાવાદ–મુંબઇ હાઇસ્પીડ રેલ કોરિડોર પ્રોજેકટ સાથે જોડવામાં આવનાર છે.

સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે અમદાવાદ અને રાજકોટ વચ્ચેના નેશનલ હાઈવે નંબર 47ની બાજુમાં હાઈસ્પીડ ટ્રેન કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેથી જમીન સંપાદનમાં વધારે સમસ્યા ઉભી થાય નહીં. આ રૂટ પર ટ્રેનો 160 કિમીની ઝડપે દોડશે અને બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકાશે.

આ પ્રોજેકટથી સૌરાષ્ટ્ર્ર અને બીજા શહેરોની કનેકિટવિટી વધશે અને મુસાફરોના સમય સાથે ઈંધણ પણ બચશે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે મુસાફરોની સંખ્યા વર્ષે 9 ટકાના દરે વધી રહી છે. આ બન્ને શહેરો વચ્ચે 13 વર્ષ પહેલાં 19 લાખ મુસાફરો અવર જવર કરતા હતા તે સંખ્યા વધીને અત્યારે 45 લાખ થઇ છે. નવા સેમી હાઇસ્પીડ રૂટથી બન્ને શહેરો વચ્ચેનું અંતર ઘટી જશે. ગુજરાત સરકારે સર્વેની કામગીરી શરૂ કરવાના આદેશ આપ્યાં છે. પ્રોજેકટમાં જે ખર્ચ થવાનો છે તેમાં જમીન સંપાદન અને સ્ટેશનની કિંમતનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેકટ જ્યારે શરૂ થશે ત્યારે 2300 લોકોને સીધી અને 7300 લોકોને આડકતરી રોજગારી આપશે. સૌથી મહત્વની બાબત એવી છે કે રેલવે કનેકિટવિટીને કારણે બન્ને શહેરો વચ્ચેના હાઇવે પર વાહનોનું ભારણ પણ ઓછું થશે અને લોકોની સલામતી જળવાઇ રહેશે.