Site icon Revoi.in

નર્મદા ડેમમાં 2.24 લાખ ક્યુસેક પાણીની આવક, જળસપાટી 126.89 મીટર પહોંચી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ નવા નીરની આવક થઈ રહી છે. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં હાલ લગભગ 2.24 લાખ ક્યુકેસ પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની સપાટીમાં પણ વધારો થયો છે અને ડેમની જળસપાટી 126.89 મીટરે પહોંચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉપવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. જેથી 12 કલાકમાં જ જળસપાટીમાં 1.4 મીટરનો વધારો થયો છે. હાલ 2.24 લાખ ક્યુકેસ પાણીની આવક થઈ રહી હોવાથી હજુ જળસપાટીમાં વધારો થશે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે તેનાથી હવે માજ્ઞ 11.79 મીટર જ દૂર છે. હાલ ડેમમાં 2052 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા ડેમમાં પાણીની સતત આવક વધતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. તેમજ ઉનાળાના ગરમીના દિવસોમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળવાની આશા છે.

આ ઉપરાંત નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં પણ પાણીની સતત આવક થઈ રહી છે. ડેમની જળસપાટી 110.11 મીટર ઉપર પહોંચી છે. પાણીની સતત આવકને પગલે ડેમના પાંચ દરવાજા ખોલીને 40 હજાર ક્યુકેસ પાણી છોડવામાં આવી રહ્યું છે. મહિસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટી 415.6 ફુટ પર પહોંચી છે. કડાણા ડેમના 3 ગેટ 6 ફુટ ખોલી 49 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાં 1,24,000 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે.

જામનગર જિલ્લામાં ભારે વરસાદથી 20 જળાશયો ઓવરફ્લો થયા છે. રંગમતિ ડેમના ત્રણ દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા છે. ઉંડ ડેમના ત્રણ દરવાજા પણ બે ફૂટ ખોલવામાં આવ્યા છે. આજી-3 ડેમના સાત દરવાજા ચાર ફુટ ખોલવામાં આવ્યા છે. જ્યારે સાગર ડેમ એક ફુટ અને સરોઇ પોણો ફુટથી ઓવરફલો થઇ રહ્યો છે. ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમના 40 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ડેમના દરવાજા 1 ફુટ 9 ઈંચ જટેલા ખોલવામાં આવ્યા છે.