Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું : 1009 પોઝિટિવ કેસ નોંધાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં 1100થી વધારે પોઝિટિવ કેસ સામે આવતા હતા. જો કે, 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસના નવા 1009 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે મોટી સંખ્યામાં ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1009 કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 64 હજારને પાર પહોંચ્યો છે. સુરતમાં સૌથી વધારે 260 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આવી જ રીતે અમદાવાદમાં 151, વડોદરામાં 98, રાજકોટમાં 85, જામનગરમાં 34, ભાવનગરમાં 47, દાહોદમાં 27, મહેસાણામાં 26, પંચમહાલમાં 22, ખેડામાં 20, અમરેલીમાં 19, ભરૂચમાં 18, ગાંધીનગરમાં 25 કેસ નોંધાયા હતા. હાલ રાજ્યમાં 14500થી વધારે દર્દીઓ એક્ટિવ છે જે પૈકી 83 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે.

રાહતની વાત એ છે કે, રાજયમાં 24 કલાકમાં 974 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 47561 દર્દીઓ સાજા થયાં છે. રાજ્યમાં એક જ દિવસમાં 22 દર્દીઓના મોત થયાં હતા. આમ રાજ્યમાં મૃત્યુઆંક વધીને 2509 થયો છે. અમદાવાદ સહિત રાજ્યના શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.