Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોની વાપસી પછી કોનું સ્થપાશે નિયંત્રણ, સરકારી સેના, તાલિબાન કે ISIS?

Social Share

ગત 18 વર્ષોથી યુદ્ધની આગમાં સળગી રહેલા અફઘાનિસ્તાનની બે વિરોધાભાસી તસવીરો આજે દુનિયાની સામે આવી રહી છે. એક તરફ જ્યાં તાલિબાન સાથે અમેરિકા શાંતિ માટે નવમા તબક્કાની વાટાઘાટો કરી રહ્યું છે. તો બીજી તરફ કુંદૂજ-હેલમંડ જેવા ઉત્તરીય વિસ્તારોમાં અફઘાનિસ્તાનના સુરક્ષાદળો અને તાલિબાનો વચ્ચે ઘાતક ઘર્ષણ સર્જાયું છે.

એક તરફ જ્યાં અમેરિકા તાલિબાનો સાથે ઝડપથી સમજૂતી કરીને પોતાના સૈનિકોને પાછા ખેંચવાની વાત પર અડેલું છે. તો બીજી તરફ અફઘાનિસ્તાનની સત્તા પર રહેલી સરકાર આ વાટાઘાટોમાં હજી સુધી સામેલ થઈ નથી. તેવામાં લોકોના મનમાં ઘણાં સવાલ છે કે શું શાંતિ મટેની વાટાઘાટો સફળ થશે? અને જો શાંતિ સમજૂતી કરીને અમેરિકાના સૈનિકો ચાલ્યા જશે, તો તાલિબાનની સત્તામાં કેટલી અને કેવી ભાગીદારી હશે.

અફઘાનિસ્તાનના બાકીના જૂથો પર આની શું અસર હશે અને તેમની પ્રતિક્રિયા શું હશે? સરકારના હાલના સેટઅપનું શું થશે? સિવિલ સોસાયટી અને અન્ય સામાજીક સંગઠનો માટે તાલિબાનોના સત્તામાં આવવું સ્વીકારવું કેટલું આસાન હશે?

યુનાઈટેડ નેશન પ્રમાણે, ગત એક વર્ષમાં અફઘાનિસ્તાનના સંઘર્ષમાં 3804 નાગરીકોના જીવ ગયા હતા. જેમાં 900 બાળકો પણ સામેલ હતા. જ્યારે સાત હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. લડાઈ થંભવાનું નામ લઈ રહી નથી, પરંતુ વધુ તીવ્ર બની રહી છે. ઓગસ્ટ માસના છેલ્લા દિવસે અને આ મહીનાની શરૂઆતના બે દિવસોમાં થયેલો હિંસક સંઘર્ષ અફઘાનિસ્તાનને ફરીથી વૉર ઝોન બનવાની કહાની કહે છે.

31 ઓગસ્ટે અફઘાનિસ્તાનના ઉત્તરમાં આવેલા કુંદૂજ શહેરમાં તાલિબાન અને સરકારી સુરક્ષાદળોની વચ્ચે ભીષણ સંઘર્ષ છેડવામાં આવ્યો હતો. ટકરાવમાં 36 તાલિબાન ઠાર થયા હતા. ત્રણ નાગરિકોના પણ મોત નીપજ્યા હતા. તાલિબાનોએ શહેરના ઘણાં મકાનોમાં પોતાના ઠેકાણા બનાવી લીધા છે અને તે શહેરની મુખ્ય હોસ્પિટલમાં પણ ઘૂસી ગયા છે. તે ત્યાંથી સરકારી દળો અને સામાન્ય નાગરીકો પર હુમલા કરી રહ્યા છે.

1 સપ્ટેમ્બરે તાલિબાનોએ અફઘાનિસ્તાનના બીજા શહેર પુલી ખુમરી પર હુમલો કર્યો હતો. શહેર પર નિયંત્રણ માટે બંને પક્ષો તરફથી ગોળીબાર ચાલી રહ્યો છે.

2 સપ્ટેમ્બરે બાગલાન પ્રાંતમાં સુરક્ષાદળો અને તાલિબાની આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને અન્ય 27 લોકો ઘાયલ થયા હતા. તાલિબાનોએ હુસૈન ખિલ અને જમાન ખિલ વિસ્તારોમાં સુરક્ષાદળો પર હુમલો કર્યો છે. સેનાએ તેમને ખદેડયા છે.

અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયા પ્રમાણે, કુંદૂજ, તકહાર, બદક્શન, બલ્ખ, ફરાહ અને હેરાતમાં નિયંત્રણ માટે તાલિબાન અને અફઘાન સેનાઓમાં ઘમાસાણ છેડાયેલું છે. આ લડાઈના કારણે કાબુલ-બાઘલાન અને બાઘલાન-કુંદૂજ હાઈવે પણ બ્લોક છે. આખેઆખું ઉત્તરીય અફઘાનિસ્તાન વોરઝોનમાં તબદ્લી થઈ ગયું છે.

કતરમાં અમેરિકા અને તાલિબાન વચ્ચે નવમા તબક્કાની વાટાઘાટો થઈ ચુકી છે. બંને પક્ષ ઝડપથી સમજૂતી કરે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. તાલિબાનની શરત છે કે અમેરિકાના સુરક્ષાદળો અફઘાનિસ્તાનમાંથી બહાર જાય. બદલામાં અમેરિકા તાલિબાનો પાસેથી ખાત્રી ઈચ્છી રહ્યું છે કે તેના સૈનિકોની વાપસી બાદ અફઘાનિસ્તાનની જમીન આઈએસઆઈએસ અને અલકાયદા જેવા અમેરિકા વિરોધી આતંકવાદી સંગઠનોનો અડ્ડો બનશે નહીં. અમેરિકા 28 સપ્ટેમ્બરે યોજાનારી અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પહેલા આ સમજૂતીની ઘોષણા કરવા ચાહે છે.

અમેરિકાના સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી વાપસી માટે ભલે તાલિબાન સાથે ટ્રમ્પ વહીવટી તંત્ર વાટાઘાટો કરી રહ્યું છે. પરંતુ શાંતિની દિશામાં તાલિબાનો પર તેને કેટલો ભરોસો છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમેરિકા નાટો સૈનિકોના સંપૂર્ણપણે અહીંથી બહાર લઈ જવાનું ઈચ્છુક પણ નથી. હાલમાં અફઘાનિસ્તાનમાં નાટો અને સહયોગી દેશોના 30 હજારથી વધારે સૈનિક છે. જેમાથી 14500 અમેરિકન સૈનિક છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ આમાના મોટાભાગના સૈનિકોને પાછા બોલાવવા ચાહે છે, પરંતુ 8600 સૈનિકોને સ્થાયીપણે નિરીક્ષણ માટે ત્યાં રાખવાની મનસા પણ ધરાવ છે. હવે જોવાનું એ રહેશે કે તાલિબાન આ વાત પર કેવી રીતે રાજી થશે?

અમેરિકા અને તાલિબાનની શાંતિ માટેની વાટાઘાટો ભલે ઘણી આશાઓ ધરાવે છે. પરંતુ અફઘાન સમાજની સામે ઘણાં સવાલ મોંઢું ફાડીને ઉભા છે. તાલિબાનની આ શાંતિ વાટાઘાટોની ગંભીરતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે 2 સપ્ટેમ્બરે પહેલીવાર અમેરિકાના વાટાઘાટકાર જલમય ખલીલજાદે સમજૂતીની શરતોથી અફઘાન રાષ્ટ્રપ્રમુખ અને સીઈઓને અવગત કર્યા.

હકીકતમાં આ અફઘાન શાંતિ વાટાઘાટનો પહેલો તબક્કો છે અને તેના પછી બીજો તબક્કો શરૂ થશે. જેમાં અફઘાન સરકાર, સિવિલ સોસાયટીઝ અને બાકીના સામાજીક સંગઠનો અને જૂથોને સામેલ થવાનું છે. હવે સવાલ ઉઠે છે કે તાલિબાનના કટ્ટરરાજનો જૂનો અનુભવ જોતા અફઘાન સમાજ શાસનમાં તાલિબાનોની ભાગીદારીને કેવી રીતે સહન કરી શકશે?

એક અનુમાન પ્રમાણે, અફઘાનિસ્તાન પર નિયંત્રણ માટે 18 વર્ષથી ચાલી રહેલા સંઘર્ષમાં વિદેશી સેનાઓ સિવાય સાડા ત્રણ લાખ અફઘાન સૈનિકો અને પોલીસકર્મીઓ પણ મોરચાઓ પર છે. જ્યારે બીજી તરફ તાલિબાન તરફથી 40 હજાર જેટલા આતંકીઓ લડાઈમાં સામેલ છે. દેશના 58 ટકા વિસ્તાર પર અફઘાન સુરક્ષાદળો, જ્યારે 19 ટકા ક્ષેત્ર પર તાલિબાનોનો કબજો છે. બાકીના 22 ટકા વિસ્તાર પર નિયંત્રણ મેળવવા માટે લડાઈ ચાલી રહી છે.

હવે શાંતિ માટેની વાટાઘાટો દ્વારા જો અમેરિકાના સૈનિકોની વાપસીનો માર્ગ બને છે, તો તેના પછી સત્તા સંઘર્ષ નહીં થાય તેની ગેરેન્ટી કોઈ આપી શકે તેમ નથી. પાકિસ્તાન, પાકિસ્તાન સમર્થિત તાલિબાન અને ચીનની પ્રાદેશિક મહત્વકાંક્ષાઓ ત્યાં રાજકીય અસ્થિરતાને પ્રોત્સાહિત કરી શકે છે. તેવામાં અફઘાનિસ્તાનમાં ભારત તરફથી ચલાવવામાં આવી રહેલી વિકાસ યોજનાઓ પર પણ ખતરો પેદા થશે. સ્પષ્ટ છે કે જો વિકાસનું કામ થંભશે, તો અફઘાની લોકોની મુશ્કેલીમાં વધારો થશે. આ તમામ વાતો પર આગામી સમયમાં દુનિયાની નજરો મંડાયેલી રહેશે.