
સેના પર હુમલો કરવા પાકિસ્તાને બનાવી લશ્કરે તૈયબાના આતંકીઓની સાત ટુકડી, ઘૂસણખોરી કરતા 2 ઝડપાયા
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કરાયા બાદ પાકિસ્તાન સતત કાશ્મીર ખીણમાં હિંસા ભડકાવવાની કોશિશોમાં લાગેલું છે. પરંતુ ભારતીય સુરક્ષા દળો પણ એલર્ટ છે. જાણકારી પ્રમાણે, કાશ્મીર ખીણમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા બે પાકિસ્તાની આતંકીઓ ઝડપાયા છે. સેનાના અધિકારીઓએ સોમવારે બંને આતંકીઓના ઝડપાવાની માહિતી આપી હતી.
જે બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમના નામ નાજિમ ખોખર અને ખલીલ અહમદ છે. ખલીલ 36 વર્ષનો અને નાજિમ 25 વર્ષનો છે. તે બંને આતંકીઓને ગત સપ્તાહે ગુલમર્ગની નજીકથી એરેસ્ટ કરવામાં આવ્યા છે. બંને આતંકવાદીઓની પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
Arrested Pakistani terrorists reveal Islamabad's big plot to disrupt calm in J&K https://t.co/LvGRX6enaG
— PERUMAL PILLAI 🇮🇳 (@56perumal) September 3, 2019
બંને આતંકવાદીઓએ તપાસ એજન્સીઓને જણાવ્યુ છે કે તેમને લશ્કરે તૈયબાના ખચરબન અને કોટલી કેમ્પોમાં આતંકી હુમલાની તાલીમ આપવામાં આવી હતી. આતંકી ખલીલ અહમદ અને નાજિમ ખોખરે કબૂલ્યું છે કે રાવલપિંડીમાં પાકિસ્તાની સેનાના મુખ્યમથકમાં તેની મુલાકાત પાકિસ્તાની સેનાના કેટલાક ઉચ્ચાધિકારીઓ સાથે કરાવવામાં આવી હતી. તેના પછી કાશ્મીરમાં હુમલા માટે લશ્કરે તૈયબાના આતંકીઓની સાત ટુકડી તૈયાર કરવામાં આવી હતી. તેમા ત્રણ અફઘાન મૂળના આતંકીઓ પણ છે. તેમને કાશ્મીર ખીણમાં સુરક્ષદળો પર હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર ફારુક ખાને રવિવારે જમ્મુમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે કાશ્મીર ખીણમાં સક્રિય આતંકીઓની સંખ્યા પહેલાની સરખામણીએ ખાસી ઘટી ગઈ છે. તેમણે કહ્યુ હતુ કે ક્યારેક કાશ્મીર ખીણમાં હજારોની સંખ્યામાં સક્રિય રહેનારા આતંકીઓની સંખ્યા ઘટીને માત્ર 150થી 200 વચ્ચે રહી ગઈ છે. તેની સાથે જ તેમણે આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યુ હતુ કે આતંકવાદીઓને યા તો જેલ અથવા તો પછી આકરી સજા માટે તૈયાર રહેવું પડશે.