Site icon Revoi.in

કોઈ કાગળ પર લખી દેવાથી વિદેશી થઈ જતા નથી રાહુલ ગાંધી: સુપ્રીમ કોર્ટ

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની નાગરીકતાના મામલામાં દાખલ કરવામાં આવેલી અરજીને નામંજૂર કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈ એક કાગળ પર લખી દેવાથી રાહુલ ગાંધીને વિદેશી માની શકાય નહીં. મહત્વપૂર્ણ છે કે ગૃહ મંત્રાલયે પણ રાહુલ ગાંધીને તેમની નાગરીકતાના સવલા પર નોટિસ મોકલીને સ્પષ્ટીકરણ માંગ્યું છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અરજદારને રાહુલ ગાંધીની નાગરીકતા સંદર્ભે ક્યારે ખબર પડી. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માત્ર એટલા માટે કોઈ વ્યક્તિ એક કાગળ પર બ્રિટિશ તરીકે પોતાની નાગરીકતા નોટ કરે છે, તેનો અર્થ એ નથી કે તે બ્રિટિશ નાગરીક બની જાય છે. અરજદારે કહ્યુ છે કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનવા માંગે છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોણ દેશના વડાપ્રધાન બનવા ઈચ્છતું નથી. દેશના 130 કરોડ લોકોમાંથી દરેક વડાપ્રધાન બનવા ચાહે છે.

રાહુલ ગાંધીની ભારતીય નાગરીકતા પર સવાલ ઉઠયા બાદ ગૃહ મંત્રાલયે ગત મંગળવારે નોટિસ મોકલીને સ્પષ્ટીકરણ માંગ્યું હતું. આના પહેલા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારે રાહુલ ગાંધીની નાગરિકતા અને શૈક્ષણિક યોગ્યતા પર સવાલ ઉઠાવતા ગૃહ મંત્રાલયને ચિઠ્ઠી મોકલી હતી. બાદમાં ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ જાહેર કરી હતી. મંત્રાલયે નોટિસમાં રાહુલ ગાંધીને આ મામલામાં તથ્ય રજૂ કરવા માટે જણાવ્યું છે. રાહુલ ગાંધીને આ નોટિસનો 15 દિવસની અંદર જવાબ આપવાનો છે. આ નોટિસ બાદ કોંગ્રેસે મામલા સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો સોશયલ મીડિયા પર જાહેર કર્યા હતા.

રાહુલ ગાંધીને નોટિસ આપવાના મામલા સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કહ્યુ હતુ કે જ્યારે એક સાંસદ કોઈ મામલા પર મંત્રાલયને પત્ર લખે છે અથવા સવાલ કરે છે, તો તેમા આને ધ્યાને લેવું પડે છે. આ કોઈ ગંભીર વાત નથી,  એક સામાન્ય પ્રક્રિયા છે.

સુબ્રમણ્યમ સ્વામીનો દાવો છે કે 2003માં બ્રિટનમાં બેકઓપ્સ નામની એક કંપનીની નોંધણી થઈ હતી. આ કંપીના નિદેશક કથિતપણે રાહુલ ગાંધી છે અને આનું રજિસ્ટર્ડ સરનામું 51 સાઉથગેટ સ્ટ્રીટ, વિંચેસ્ટર, હેમ્પશાયર એસ-023 9ઈએચ છે. આ કંપનીએ 2006માં જે રિટર્ન ફાઈલ કર્યું છે, તેમાં રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરીક ગણાવવામાં આવ્યા છે. કંપની બંધ કરવા માટે જે એપ્લિકેશન આપવામાં આવી હતી. તેમા પણ રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરીક ગણાવવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયે આ ફરિયાદને ધ્યાન પર લેતા નોટિસ જાહેર કરી છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ગૃહ મંત્રાલયને રાહુલ ગાંધીની નાગરીકતાની વિરુદ્ધ બે પત્ર પણ લખ્યા છે. 21 સપ્ટેમ્બર-2017 બાદ સુબ્રમણ્યમ સ્વામીએ 29 એપ્રિલ-2019ના રોજ પણ પત્ર લખીને ગૃહ મંત્રાલય દ્વારા આ મામલામાં તપાસની માગણી કરી હતી.

રિટાયર્ડ નર્સ અને કેરળ ખાતેના વાયનાડના વતની વોટર રાજમ્મા વાવથિલે કહ્યુ છે કે કોઈએ પણ કોંગ્રેસ અધ્યક્ષની નાગરીકતા પર સવાલ ઉઠાવવો જોઈએ નહીં. રાજમ્માનો દાવો છે કે તેઓ દિલ્હીની એ ફેમિલી હોસ્પિટલમાં પહેલી જૂન-1970ના રોજ ડ્યૂટી પર હતા જ્યાં રાહુલ ગાંધીનો જન્મ થયો હતો. રાજમ્માનનું કહેવું છે કે જ્યારે રાહુલ ગાંધીનો જન્મ થયો, ત્યારે તેઓ નર્સની તાલીમ લઈ રહ્યા હતા. તેમણે કહ્યું છે કે તે એવો લોકોમાં સામેલ હતા કે જેમણે રાહુલ ગાંધીને તેડયા હતા.