લોકસભા ચૂંટણી 2019ના પાંચમા તબક્કા માટે આજે યુપીની 14 સીટ્સ પર મતદાન થઈ રહ્યું છે. આજે યુપીની જે સીટ્સ પર મતદાન થઈ રહ્યું છે તેમાં હાઇપ્રોફાઇલ અમેઠી, રાયબરેલી અને લખનઉ સીટ્સ પણ સામેલ છે. અમેઠીમાં મુખ્ય સ્પર્ધા અધ્યક્ષ રાહુલ ગાંધી અને બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઇરાનીની વચ્ચે છે. સ્મૃતિ ઇરાનીએ અમેઠીમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં ગરબડ કરવાનો આરોપ લગાવ્યો છે. સ્મૃતિએ કહ્યું છે કે રાહુલ ગાંધી ચૂંટણી જીતવા માટે બૂથ કેપ્ચરિંગ કરી રહ્યા છે. તેમણે પોતાના ટ્વિટમાં ચૂંટણીપંચ અને અમેઠીના ડીએમને ટેગ કરીને એક વીડિયો પણ શેર કર્યો છે.
આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા એમ કહેતી જોવા મળી રહી છે કે તે કમળના નિશાન (બીજેપી)ને વોટ નાખવા માંગતી હતી પરંતુ કેટલાક લોકોએ જબરદસ્તી તેમને પંજાના નિશાન (કોંગ્રેસ)ની સામેવાળું બટન દબાવડાવી દીધું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સ્મૃતિ ઇરાનીએ અમેઠીમાં બીજેપી આઇટી વિભાગના કન્વીનર વિવેક મહેશ્વરીનું ટ્વિટ શેર કર્યું છે. મહેશ્વરીએ આ ટ્વિટમાં દાવો કર્યો છે, ‘આ મામલો ગૌરીગંજના ગૂજરટોલા બૂથ નંબર 316નો છે જ્યાં પીઠાસીન અધિકારીએ જબરદસ્તી કોંગ્રેસને અપાવડાવી દીધો.’
સ્મૃતિ ઇરાનીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ‘મેં એડમિનિસ્ટ્રેશનને એલર્ટ કરવા માટે ટ્વિટ કરી દીધું છે. આશા છે કે તેઓ કાર્યવાહી કરશે. દેશની જનતાને આ ફેંસલો કરવાનો છે કે આ પ્રકારના રાજકારણને સજા મળવી જોઇએ કે નહીં.’