Site icon Revoi.in

VVPAT મામલે 21 પક્ષોની અરજીને રદિયો, CJIએ કહ્યું- એક જ મામલો વારંવાર કેમ સાંભળવાનો

Social Share

લોકસભા ચૂંટણીની વચ્ચે આજે સુપ્રીમ કોર્ટમાં ઇવીએમ અને વીવીપેટની પરચીઓને મેચ કરવાના મામલે સુનાવણી થઈ. વિપક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી પુનઃવિચારણા અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજીને ટીડીપી અને કોંગ્રેસ સહિત 21 વિપક્ષીય દળોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આ પક્ષોની માંગ હતી કે 50 ટકા વીવીપેટ પરચીઓને ઇવીએમ સાથે મેચ કરવાનો આદેશ ચૂંટણીપંચને આપવામાં આવે. સુનાવણી માટે ચંદ્રાબાબુ નાયડુ, ડી. રાજા, સંજય સિંહ અને ફારુખ અબ્દુલ્લા કોર્ટમાં હાજર રહ્યા.

અરજીને રદિયો આપતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું કે કોર્ટ આ મામલાને વારંવાર કેમ સાંભળે. તેમણે કહ્યું કે તેઓ આ મામલે દરમિયાનગીરી કરવા માંગતા નથી.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં ઓછા પાંચ બૂથના ઇવીએમ અને વીવીપેટની પરચીઓને મેચ કરવા માટે જણાવ્યું હતું. પંચે તેને માની પણ લીધું હતું. સુપ્રીમ કોર્ટે આ લોકસભા ચૂંટણીમાં ઇવીએમ અને વીવીપેટના મેચને પાંચગણું વધારી દીધું. કોર્ટે કહ્યું કે દરેક ચૂંટણી વિસ્તારમાં 5 વીવીપેટને ઇવીએમ સાથે મેચ કરવામાં આવશે. અત્યારે ફક્ત એકનું વીવીપેટ મેચ થાય છે.

ઉલ્લેખનીય છે કે હાલ વીવીપેટ પેપર સ્લિપને મેચ કરવા માટે દરેક વિધાનસભા વિસ્તારમાં ફક્ત એક ઇવીએમ લેવામાં આવે છે. એક ઇવીએમ પ્રતિ વિધાનસભા ક્ષેત્રના 4125 ઇવીએમના વીવીપેટ પેપર્સ સાથે મેચ કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી ચૂંટણીપંચે 20,625 ઇવીએમની વીવીપેટ પરચીઓ ગણવાની છે, એટલે કે પ્રતિ વિધાનસભા ક્ષેત્રમાં પાંચ ઇવીએમની તપાસ થશે. બીજી બાજુ 21 રાજકીય પક્ષોના નેતાઓએ લગભગ 6.75 લાખ ઇવીએમની વીવીપેટ પેપર સ્લિપના મેચની માંગ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં અરજી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ (ટીડીપી), શરદ પવાર (એનસીપી), ફારુક અબ્દુલ્લા (એનસી), શરદ યાદવ (એલજેડી), અરવિંદ કેજરીવાલ (આમ આદમી પાર્ટી), અખિલેશ યાદવ (સપા), ડેરેક ઓ’બ્રાયન (ટીએમસી) અને એમ.કે. સ્ટાલિન (ડીએમકે) તરફથી દાખલ કરવામાં આવી છે. અરજીઓમાં તેમણે અદાલતને આગ્રહ કર્યો હતો કે ઇવીએમના 50 ટકા પરિણામો સામાન્ય ચૂંટણીના પરિણામોની જાહેરાક કરતા પહેલા વીવીપેટ સાથે મેચ કરવામાં આવવા જોઈએ અથવા ફરી તપાસ થવી જોઈએ.