Site icon Revoi.in

બોફોર્સ બાદ આઈએનએસ વિરાટ, શું હવે રાજીવ ગાંધીને જ મુદ્દો બનાવવામાં લાગેલા છે પીએમ મોદી?

Social Share

નવી દિલ્હી: બોફોર્સ, શીખ વિરોધી રમખાણ, ભોપાલ ગેસ કાંડ અને હવે આઈએનએસ વિરાટ પર રજાઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચાર મોટા મુદ્દાઓ દ્વારા લોકસભા ચૂંટણીના વોટિંગના આગામી બે તબક્કા પહેલા કોંગ્રેસ પર આરોપોનો વરસાદ કરી દીધો છે. છઠ્ઠા અને સાતમા તબક્કાથી પહેલા વડાપ્રધાન મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ફ્રેમમાં લઈ આવીને કોંગ્રેસને બેકફૂટ પર લાવવાની કોશિશ કરી છે. રાહુલ ગાંધી જ્યારે રફાલમાં કથિત ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યા હતા, ત્યારે પીએમ મોદી તરફથી બોફોર્સ મામલો ઉછાળવામાં આવ્યો. તેવામાં હવે એના સંદર્ભે હશે કે કોંગ્રેસ કેવી રીતે ભાજપના આ આરોપોનો જવાબ આપે છે.

રફાલ વિરુદ્ધ બોફોર્સ

કોંગ્રેસ સતત વડાપ્રધાન મોદીને રફાલ ડીલમાં કથિત ગોટાળાના મામલે બેફામ આરોપો લગાવીને તેમનને ચોર કહી રહી છે અને ચોકીદાર ચોર હૈના સૂત્રો લગાવી રહી છે. તેના જવાબમાં વડાપ્રધન મોદીએ પહેલા મૈં ભી ચોકીદારનું સૂત્ર આપ્યું, તો હવે તેમણે સીધો ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર શાબ્દિક હુમલો કર્યો છે.

પીએમ મોદીએ રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી ગણાવ્યા અને કહ્યુ છે કે તેમની જિંદગીનો અંત ભ્રષ્ટાચારી નંબર-1 તરીકે થયો. પીએમ મોદીના હુમલાની સાથે જ 30 વર્ષ જૂનો મામલો ફરી એકવાર મુખ્યપ્રવાહમાં પાછો આવ્યો છે. પીએમ મોદીએ કહ્યુ છે કે કોંગ્રેસના રાજદરબારીઓએ મિસ્ટર ક્લિનની છબી બનાવવાની કોશિશ કરી, પરંતુ સચ્ચાઈ સૌની સામે છે.

વડાપ્રધાન મોદીની ટીપ્પણીઓ બાદ કોંગ્રેસ વિફરી હતી અને કોંગ્રેસે આને એક શહીદનું અપમાન ગણાવ્યું હતું. જો કે રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીને જવાબ આપતા કહ્યુ હતુ કે તમે ગમે તેટલી નફરત ફેલાવશો, તેઓ પ્રેમથી જ સમજાવશે. પરંતુ કોંગ્રેસ આ નિવેદન વિરુદ્ધ ચૂંટણી પંચમાં પણ પહોંચી હતી અને પીએમ મોદીની ફરિયાદ કરી હતી. જો કે પીએમ મોદીને ચૂંટણી પંચે ક્લિનચિટ આપી હતી.

કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો છે કે તેઓ સેનાનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે સેના કોઈની અંગત મિલ્કત નથી. આ આરોપના જવાબમાં વડાપ્રધાન મોદીએ ફરીથી રાજીવ ગાંધીને આડે હાથ લીધા હતા. પીએમ મોદીએ રાજીવ ગાંધીની એક જૂની હોલીડે ટ્રિપનો ખુલાસો કર્યો અને આરોપ લગાવ્યો હતો કે રાજીવ ગાંધીએ સેનાના યુદ્ધજહાજનો ઉપયોગ પર્સનલ ટેક્સીની જેમ કર્યો હતો.

પીએમ મોદીએ ઈન્ડિયા ટુડેનો જ એક રિપોર્ટ ટ્વિટર પર શેયર કર્યો અને જાહેરસભામાં જણાવ્યુ કે રાજીવ ગાંધી પોતાના પરિવાર, મિત્રો અને સાસરિયાંઓ સાથે આઈએનએસ વિરાટ પર એક ટાપુમાં રજાઓ ગાળવા માટે ગયા હતા. આને લઈને કોંગ્રેસ બેકફૂટ પર છે, આ મુદ્દા પર અત્યાર સુધી કોંગ્રેસના કોઈ મોટા નેતાનું નિવેદન સામે આવ્યું નથી. પરંતુ જેવી રીતે વડાપ્રધાન મોદી આ મુદ્દાને આગળ વધારી રહ્યા છે, તેનાથી સંકેત મળી રહ્યા છે કે આગામી બે તબક્કામાં આ મુદ્દો પણ વધુ ગરમાવો પકડે તેવી સંભાવના છે.